સોનગઢ પંથકમાં વન્યપ્રાણીઓના અંગોની તસ્કરી કરતા રેકેટનો વન વિભાગે પર્દાફાશ કર્યો છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાદડવેલ, ફોર્ટ સોનગઢ સ્ટાફ અને વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો (WCCB) ના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય વાઘનું ચામડું અને નખ સહિત દીપડાના નખ સાથે કુલ ૬ શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે.વન વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટોકરવા ગામના દાદરી ફળીયામાં આવેલા મહાકાલી માતાના મંદિર પાસે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન અનુસૂચિ-૧ માં સંરક્ષિત એવા ભારતીય વાઘનું ૦૧ નંગ ચામડું અને ૦૧ નંગ નખ મળી આવ્યા હતા. ત્યારબાદ તપાસનો દૌર આગળ વધારી મોટી ખેરવાણ ખાતે બીજી રેડ કરવામાં આવતા ત્યાંથી દીપડાના ૧૧ નંગ નખ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.વન વિભાગે આરોપીઓ પાસેથી વન્યજીવોના અંગો ઉપરાંત ગુનામાં વપરાયેલી ૪ મોટર સાઈકલ પણ જપ્ત કરી છે. વ્યારાના નાયબ વન સંરક્ષક અને મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ તમામ આરોપીઓને ફોર્ટ સોનગઢની ફર્સ્ટ ક્લાસ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજુ કરવામાં આવતા નામદાર કોર્ટે તમામ આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
(૧) ઉમેશભાઈ જેઠીયાભાઈ ગામીત (રહે. દાદરી ફળીયું, ટોકરવા, સોનગઢ)
(૨) કિશનભાઈ જલુભાઈ વસાવે (રહે. કરણપાડા, અક્કલકુવા, મહારાષ્ટ્ર)
(૩) કોચરીયાભાઈ ટેડગ્યાભાઈ વસાવા (રહે. રૂઢીગવાણ, ઉમરપાડા, સુરત)
(૪) અમરસિંગભાઈ રામાભાઈ કોટવાળીયા (રહે. મોટી ખેરવાણ, સોનગઢ)
(૫) ઉદેસીંગભાઈ ધુળજીભાઈ કોટવાળીયા (રહે. મોટી ખેરવાણ, સોનગઢ)
(૬) ગોંવાનભાઈ ભાણીયાભાઈ કોટવાળીયા (રહે. મોટી ખેરવાણ, સોનગઢ)




Users Today : 3
Users Last 30 days : 223
Total Users : 14085