તાપી જિલ્લામાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગઈકાલે શુક્રવારે (૦૩ જુલાઈ) સવારે ૬:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધીના માત્ર ૧૨ કલાકના ટૂંકા ગાળામાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર) તંત્રના જણાવ્યા અનુસાર જિલ્લામાં સૌથી વધુ પ્રકોપ ડોલવણ તાલુકામાં જોવા મળ્યો હતો, જ્યાં આભ ફાટતા ૨૮૭ મીમી (આશરે ૧૧.૫ ઇંચ) જેટલો ભારે વરસાદ નોંધાયો છે.
અતિવૃષ્ટિ અને નદી-નાળાઓમાં આવેલા પૂરના પાણી રસ્તાઓ પર ફરી વળવાના (ઓવર ટોપિંગ) કારણે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના કુલ ૭૪ જેટલા ગ્રામ્ય અને મુખ્ય રસ્તાઓ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. આ તમામ રસ્તાઓ શુક્રવારે વરસેલા ભારે વરસાદના કારણે જ બંધ થયા છે.
ભારે વરસાદના કારણે જેસીંગપુરા, કેળકુઈ, કરંજવેલ, પિપલવાડા, પાટી, બેડચીત અને અલગટ જેવા અસંખ્ય ગામોના માર્ગો પ્રભાવિત થયા છે. વહીવટી તંત્ર દ્વારા મોટાભાગના બંધ રસ્તાઓ માટે વૈકલ્પિક રૂટ (જેવા કે NH-56 કે અન્ય આંતરિક માર્ગો) જાહેર કરી વાહનચાલકોને તે રસ્તે ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પૂરના પાણી ઓસરતાં જ યુદ્ધના ધોરણે રસ્તાઓ ફરી શરૂ કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને માર્ગ-મકાન વિભાગની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને વહેતા પાણીમાં વાહન ન નાખવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
તાલુકાવાર બંધ રસ્તાઓની સ્થિતિ : ડોલવણ તાલુકામાં સૌથી વધુ ૪૬ રસ્તાઓ બંધ થતાં અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે. વ્યારા તાલુકાના ૧૩ રસ્તાઓ બંધ,વાલોડ તાલુકાના ૧૩ રસ્તાઓ બંધ અને સોનગઢ તાલુકાના ૦૨ રસ્તાઓ સંપર્કવિહોણા બન્યા હતા.
શુક્રવારે (તા.૦૩ જુલાઈ) સવારે ૬:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધીના માત્ર ૧૨ કલાક દરમિયાન તાલુકાવાર વરસાદના આંકડા ડોલવણ: ૨૮૭ મીમી,વાલોડ: ૨૨૫ મીમી,વ્યારા: ૧૭૨ મીમી,સોનગઢ: ૬૭ મીમી,ઉકાઇ: ૪૧ મીમી,કુકરમુંડા: ૧૩ મીમી,ઉચ્છલ: ૧૦ મીમી અને નિઝર: ૦૩ મીમી




Users Today : 3
Users Last 30 days : 118
Total Users : 14448