દક્ષિણ ગુજરાત સહિત તાપી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી મુજબ શુક્રવારે સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં તાપી જિલ્લાના કુલ ૧૩૭ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા હતા.
વિભાગીય માહિતી અનુસાર રાજ્ય ધોરીમાર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો તથા NHAI હસ્તકના માર્ગો હાલ સલામત અને વાહનવ્યવહાર માટે ખુલ્લા છે. જોકે પંચાયત હસ્તકના ગ્રામીણ માર્ગો પર ઓવરટોપિંગની સ્થિતિ સર્જાતા સૌથી વધુ અસર આંતરિક ગામડાઓમાં જોવા મળી રહી છે.તાલુકાવાર સ્થિતિમાં ડોલવણમાં સૌથી વધુ ૪૦ રસ્તાઓ બંધ નોંધાયા છે. ત્યારબાદ વ્યારામાં ૩૩, સોનગઢમાં ૨૮, વાલોડમાં ૧૬, ઉકાઈમાં ૧૫, ઉચ્છલમાં ૩, નિઝરમાં ૧ અને કુકરમુંડામાં ૧ રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.ભારે વરસાદને કારણે અનેક ગામોનો સંપર્ક મુખ્ય માર્ગો સાથે અંશતઃ ખોરવાયો છે. વહીવટી તંત્ર દ્વારા જ્યાં શક્ય હોય ત્યાં વાહનવ્યવહારને વૈકલ્પિક માર્ગો તરફ ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક તંત્રની ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે પાણીનું સ્તર ઘટતાં જ બંધ રસ્તાઓનું નિરીક્ષણ કરીને જરૂરી સમારકામ હાથ ધરાશે અને તબક્કાવાર વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવશે. દરમિયાન, નાગરિકોને પાણી ભરાયેલા અથવા ઓવરટોપિંગ થતા રસ્તાઓ પરથી પસાર ન થવા તથા તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.




Users Today : 1
Users Last 30 days : 316
Total Users : 14753