સુરત શહેરના સાયણ-સિવાણ રોડ ઉપર આવેલી ગણેશ માર્કેટિંગની દુકાનના માલિકે ફેસબુકના માધ્યમથી સસ્તું એ.સી. આપવાની જાહેરાત મૂકી સુરત શહેરના કાપડના વેપારી પાસેથી ૩૦,૦૦૦ ઓનલાઈન ખંખેરી લીધા હોવાની પોલીસ ફરિયાદ ઓલપાડ પોલીસ મથકમાં નોંધાઈ છે.
મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વતની અલ્પેશભાઈ કાંતિભાઈ કપુપરા હાલમાં સુરત શહેરના પુણા ગામમાં યોગીચોકની વિલાનીયો રેસિડેન્સીના ફ્લેટ નં. જે-૫૦૨માં રહે છે. તેઓ સુરતમાં સહારા દરવાજા ખાતે લોબલ ટેક્સ્ટાઈલ માર્કેટમાં જીયા ફેશન નામની કાપડની દુકાન ચલાવે છે. ગત તા. ૧૨મી એપ્રિલના રોજ કામ-કાજ અર્થે સાયણના પોકાર આર્કેડમાં આવ્યા હતા. તે વખતે ફેસબુકમાં વાયરલ થયેલી સાયણ ખાતેની ગણેશ માર્કેટિંગ દુકાનમાં સસ્તા ભાવે એ.સી. મળતાં હોવાની જાહેરાત જોઈ હતી. જેથી તેમણે ગણેશ માર્કેટિંગનાં મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરતાં માર્કેટિંગના માલિકે તેનું નામ મનોજદાસ (રહે. સાયણ) હોવાનું જણાવી બે ટનવાળા એ.સી.નો ભાવ રૂ. ૪૫,૫૦૦ છે પરંતુ આ એ.સી. રૂ. ૩૦,૦૦૦માં મળશે એવી લાલચ આપી જો તમારે ખરીદવું હોય તો હું તમને અમારી દુકાનનો ક્યુઆર કોડ નંબર તમારા વોટ્સએપ ઉપર મોકલું છું, તેના ઉપર રૂપિયા ટ્રાન્સફર કરો તો હું તમારા ઘરના સરનામે બે દિવસમાં એ.સી. મોકલી ફિટ કરાવી દઈશ એવું જણાવ્યું હતું. જેથી અલ્પેશ કપુપરાએ ‘ગૂગલ પે’થી રૂ.૩૦,૦૦૦ ટ્રાન્સફર કરી ઘરનું સરનામું આપ્યું હતું. બે દિવસ પછી એ.સી. ન આવતા અલ્પેશ કપુપરાએ મનોજદાસનો કોન્ટેક કરતાં તેણે વાયદા ઉપર વાયદા કરી એ.સી. મોકલ્યું ન હતું. મનોજદાસે રૂપિયા પરત માંગવા છતાં તેણે રકમ પરત કરી ન હતી. જેથી અલ્પેશ કપુપરા જાતે ગણેશ માર્કેટિંગની દુકાને બે-ત્રણ વખત જાતે ગયો હતો. પરંતુ મનોજદાસ દુકાને મળતો ન હોવાથી તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મનોજદાસ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.




Users Today : 6
Users Last 30 days : 1154
Total Users : 13092