સોનગઢની અમનપાર્ક સોસાયટીમાં તાજેતરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં તાપી પોલીસને મોટી સફળતા મળી છે. નવા કપડાં ખરીદવાની લાલચમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરોએ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બંનેની અટકાયત કરી રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂ.૫૧,૩૭૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઘટનાની વિગતો મુજબ, ગત તા. ૦૬/૦૩/૨૦૨૬ના રોજ અમનપાર્ક સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી. આ મામલે તાપી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની ટીમો તપાસમાં હતી.દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સોનગઢ દશેરા કોલોનીની પ્રાથમિક શાળા પાસેના મેદાનમાં બે શંકાસ્પદ કિશોરો ચોરીના નાણાંની વહેંચણી કરવા બેઠા છે.પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બાતમી મુજબના સ્થળેથી બે કિશોરોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા કિશોરોની પ્રાથમિક પૂછપરછમાં ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. કિશોરોએ કબૂલાત કરી હતી કે,હાલ રમઝાન માસ ચાલતો હોવાથી તેમને તહેવાર માટે નવા કપડાં ખરીદવા હતા.રૂપિયાની જરૂરિયાત પૂરી કરવા માટે તેમણે અન્ય એક સાથીદાર સાથે મળી ચોરીનો પ્લાન બનાવ્યો હતો. એટલું જ નહી અમનપાર્ક સોસાયટીના એક બંધ મકાનના પાછળના ભાગે સીડી લગાવી, શૌચાલયની બારીનો કાચ તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો.પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો પાસેથી નીચે રોકડ રકમ રૂ. ૧૬,૩૭૦/-, ચાંદીના ઘરેણા, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૫૧,૩૭૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. સોનગઢ પોલીસે આ મામલે ગુનો નોંધી પકડાયેલા બંને કિશોરોનો કબજો લીધો છે. જ્યારે આ ચોરીની ઘટનામાં સંડોવાયેલા અન્ય એક ત્રીજા કિશોરને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ તેજ કરી છે.




Users Today : 9
Users Last 30 days : 341
Total Users : 13395