સોનગઢના ભુરીવેલ ગામ પાસે પૂરઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે બાઇક સવાર આધેડને અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, પાથરડા ગામના કોટવાળીયા ફળીયામાં રહેતા ૫૬ વર્ષીય શંકરભાઇ નપરીયાભાઇ ગામીત સોમવારે સવારે ૧૦:૦૦ વાગ્યાના સુમારે પોતાની હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જીજે/૨૬/પી/૪૭૯૩ લઈને ભુરીવેલ બેંકમાં કામ અર્થે જઈ રહ્યા હતા.
આ દરમિયાન ભુરીવેલ BOB બેંકની સામે રોડ પર સામેથી આવી રહેલી એક કાળા કલરની સ્કોર્પિયો ગાડી નંબર જીજે/૨૬/એકે/૯૧૫૦ ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી શંકરભાઇની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે શંકરભાઇ રોડ પર પટકાતા તેમને માથા, છાતી અને ચહેરાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તથા ડાબા પગે ફ્રેક્ચર થયું હતું. ૧૦૮ એમ્બુલન્સ મારફતે તેમને તાત્કાલિક સોનગઢ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક જણાતા સોનગઢની મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, બપોરે ૧૨:૪૫ વાગ્યાના સુમારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.મૃતકના પુત્ર અશોકભાઇ શંકરભાઇ ગામીતની ફરિયાદના આધારે ઉકાઇ પોલીસે અજાણ્યા સ્કોર્પિયો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




Users Today : 9
Users Last 30 days : 341
Total Users : 13395