તાપી જિલ્લાની અદાલતે માનવતાવાદી અભિગમ દાખવી એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. વ્યારાની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં ચાલી રહેલા માર્ગ અકસ્માત વળતર (M.A.C.P.) ના કેસમાં માત્ર ૪ મહિનાની ટૂંકી અવધિમાં રૂ. ૧ કરોડનું વળતર મંજૂર કરાવીને બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન સાધ્યું હતું.
ગતવર્ષે ૨૩ જૂનના રોજ વ્યારાની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને સોનગઢની પહાડદા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ૪૮ વર્ષિય ધર્મેશભાઈ છનાભાઈ પટેલ વડોદરાથી પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા. લકોદરા ગામની સીમમાં સામેથી પૂરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવતા આઈસર ટ્રકના ચાલકે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં ધર્મેશભાઈનું કરુણ અવસાન થયું હતું. તેઓ માસિક રૂ. ૮૩૩૧૫ નો પગાર મેળવતા હતા.
ધર્મેશભાઈ પટેલના અકાળે અવસાનથી તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. એક હસતો-રમતો પરિવાર જેનો મુખ્ય આધાર સ્તંભ છીનવાઈ ગયો હોય, તે આઘાતની ભરપાઈ કોઈ પણ કિંમતે કરવી અશક્ય છે. ઘરના મુખ્ય કમાનાર સભ્ય ગુમાવતા પત્ની લતાબેન પટેલ, બે પુત્રીઓ હેતવી અને નવ્યા, તેમજ વૃદ્ધ માતા મંજુલાબેન નિરાધાર બન્યા હતા. આ પીડિત પરિવારે ન્યાય મેળવવા માટે તાપી અદાલતમાં વળતર મેળવવા દાવો દાખલ કર્યો હતો.
આ કેસ વ્યારાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટના ન્યાયાધીશશ્રી ટી. આર. દેસાઈની કોર્ટમાં ચાલ્યો હતો. જે અન્વયે તા. ૦૩ જાન્યુઆરી, ૨૦૨૬ ને શનિવારના રોજ યોજાયેલી લોક અદાલતમાં એડવોકેટ ભાવેશભાઈ કાપડિયા અને સુરેશભાઈ યાદવ, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કુ.લિ.ના વકીલશ્રી સંદીપભાઈ કાછડીયા તથા વીમા કંપનીના આસિસ્ટન્ટ મેનેજરશ્રી પ્રાચીબેન યાદવ, એરિયા મેનેજરશ્રી જયસ્વાલ અને ડેપ્યુટી મેનેજરશ્રી ભાવનાબેન પરમાર, તેમ બંને પક્ષો ઉપસ્થિત રહ્યા હતા.
તાપી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવશ્રી વાય.બી.ગામીતના જણાવ્યા અનુસાર, આ કિસ્સામાં કોર્ટે વીમા કંપનીને વળતર ચુકવવા આદેશ આપ્યો હતો. વીમા કંપનીએ હકારાત્મક વલણ દાખવ્યો હતો. અદાલતના કન્સીલીએશન પ્રયાસોથી બંને પક્ષો રૂ. ૧ કરોડના વળતર પર સંમત થયા હતા. કોર્ટે આ કિસ્સામાં સંવેદનશીલ અભિગમ દાખવી માત્ર ચાર જ મહિનામાં વળતર અપાવી પરિવારને આર્થિક રીતે સધ્ધર બનાવી ભવિષ્ય માટે એક મજબૂત આર્થિક મનોબળ પૂરું પાડ્યું છે.




Users Today : 10
Users Last 30 days : 1360
Total Users : 12904