ભિવંડીમાં બનેલી આંચકાજનક ઘટનામાં શરમજનક કૃત્ય જોઈ લેનારા 17 વર્ષના સગીરની હત્યા કરી મૌલવીએ તેના શરીરના ટુકડા કર્યા હતા. અમુક ટુકડા કચરામાં ફેંક્યા હતા, જ્યારે માથુ અને શરીરના કેટલાક ભાગ મૌલવીએ તેની દુકાનમાં જ દાટી દીધા હતા. આરોપી આસામથી પકડાયા પછી પાંચ વર્ષ અગાઉના આ ભયાનક હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો.
થાણે ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલના સિનિયર ઈન્સ્પેક્ટર ગોરખનાથ ઘાર્ગેની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ ગુલામ રબ્બાની શેખ તરીકે થઈ હતી. ભિવંડીમાં નવી બસ્તી ખાતેના નેહરુ નગર પરિસરમાં કરિયાણાની દુકાન ધરાવતો શેખ મસ્જિદમાં બાંગ પોકારવાનું કામ કરતો. મૌલાના તરીકે ઓળખાતો શેખ લોકોનાં દુ:ખ-દર્દમાં સલાહ આપી તેનું નિરાકરણ કરવાનું કાર્ય પણ કરતો.
પોલીસના જણાવ્યા મુજબ નેહરુ નગરમાં જ રહેતો 17 વર્ષનો શોએબ શેખ 20 નવેમ્બર, 2020ના રોજ એકાએક ગુમ થઈ ગયો હતો. ભિવંડી શહેર પોલીસે આ પ્રકરણે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્રણ વર્ષ વીત્યાં છતાં પોલીસ શોએબને શોધી શકી નહોતી. આખરે 2023માં સ્થાનિક રહેવાસીઓ પાસેથી મળેલી માહિતીને આધારે શોએબની હત્યા થઈ હોવાની અને તેમાં ગુલામ શેખની સંડોવણીની શંકા વ્યક્ત કરાઈ હતી.
કહેવાય છે તે સમયે શેખને તાબામાં લઈ પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે રહેવાસીઓએ પોલીસ સ્ટેશન બહાર કરેલી ભીડનો લાભ ઉઠાવી આરોપી ત્યાંથી રવાના થઈ ગયો હતો.પછી શેખની કોઈ ભાળ ન મળતાં ક્રાઈમ બ્રાન્ચ પણ તેની શોધમાં લાગી હતી. શેખ આસામમાં હોવાની માહિતી તાજેતરમાં પોલીસને મળી હતી. માહિતીને આધારે તેને તાબામાં લઈ થાણે લાવવામાં આવ્યા પછી પાંચ વર્ષ અગાઉના હત્યાકાંડ પરથી પડદો ઊંચકાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે,દુકાનમાં શરમજનક કૃત્ય કરનારા આરોપીને શોએબે જોઈ લીધો હતો, જેને પગલે આરોપી ડરી ગયો હતો. શોએબ આ વાતની જાણ રહેવાસીઓને કરી દેશે, એવી શક્યતાને પગલે આરોપીએ તેની હત્યા કરી હતી.કહેવાય છે કે હત્યા બાદ સગીરની લાશ આરોપીએ તેની દુકાનમાં ખાડો ખોદીને દાટી દીધી હતી. થોડા સમય પછી કોહવાયેલા મૃતદેહને ખાડામાંથી બહાર કાઢી તેના ટુકડા કર્યા હતા. અમુક ટુકડા કચરામાં ફેંક્યા અને બાકીના ટુકડા માથા સાથે ફરી દુકાનમાં દાટી દીધા હતા. પોલીસે દુકાનમાંથી અમુક અવશેષ તાબામાં લઈ તપાસ માટે ફોરેન્સિક લૅબમાં મોકલાવી દીધા હોવાનું કહેવાય છે.




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241