અમદાવાદના પાલડી વિસ્તારમાં આવિષ્કાર ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસે રેઇડ પાડી હતી. જેમાં 100 કિલો સોનું અને 1 કરોડથી વધારે કેશ ઝડપાઈ હતી. ગુજરાત એટીએસના ડીઆઈજી સુનીલ જોશીએ જણાવ્યું કે, ડેપ્યુટી એસપીને મળેલી ગુપ્ત જાણકારીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. ફ્લેટ બંધ હોવાથી તેના સંબંધી પાસેથી ચાવી લઈને દરવાજો ખોલવામાં આવ્યો હતો અને ડીઆરઆઈની ટીમે સાથે મળીને સામાન જપ્ત કર્યો હતો. ડિરેકટરોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ અને ગુજરાત એટીએસના એક સંયુક્ત દરોડામાં 87.92 કિલોના સોનાના બિસ્કિટ, 19.66 કિલો ઘરેણાં મળીને કુલ 107.58 કિલો સોનું ઝડપાયું હતું. આ ઉપરાંત 11 લક્ઝરી ઘડિયાળ પણ કબ્જે કરવામાં આવી હતી.
ગુજરાત એટીએસના ડીવાયએસપી એસ.એલ. ચૌધરીને બાતમી મળી હતી કે, આવિષ્કાર એપાર્ટમેન્ટ-3ના ફ્લેટ નં. 104માં મોટા પ્રમાણમાં વિદેશથી દાણચોરી કરેલુ સોનું છુપાવવામાં આવ્યું છે. ત્યારબાદ આ બાતમી ડીઆરઆઈની અમદાવાદ ઝોનલ યુનિટ સાથે શેર કરવામાં આવી હતી. જે બાદ એટીએસ અને ડીઆરઆઈ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.આવિષ્કાર એપાર્ટમેન્ટમાંથી જે સોનું જપ્ત કરવામાં આવ્યું છે તેમાંથી 57 કિલો ગોલ્ડ બાર છે અને તેના પર વિદેશના માર્કા છે. આ સોનું વિદેશથી દાણચોરીથી લાવવામાં આવ્યું હોવાની આશંકા છે. હાલ મુખ્ય આરોપી મેઘ શાહને ઝડપવા તપાસ શરૂ કરવામાં આવી છે. મોટા ભાગનાં સોનાનાં બિસ્કિટ વિદેશના હોવાથી આ એક સ્મગ્લિંગનું રેકેટ હોય એવી શક્યતા છે. આ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત એટીએસના ડીઆઈજી સુનીલ જોશીએ જણાવ્યું કે, ફ્લેટ બંધ હોવાથી તેમના સંબંધી પાસેથી ચાવી લઈને દરવાજો ખોલવામાં આવ્યો હતો. આ ફ્લેટ મેઘ શાહે ભાડા પર લીધો હતો અને તેમના સંબંધી આ ફ્લેટમાં ચોથા માળ પર રહે છે. મેઘ શાહ સામે ડીઆરઆઈ કસ્ટમ્સ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને તેને બોલાવીને પૂછપરછ કરાશે.મેઘ શાહ અને મહેન્દ્ર શાહ પુત્ર અને પિતા છે. મહેન્દ્ર શાહ મૂળ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે પરંતુ વર્ષોથી મુંબઈમાં રહે છે. તેમનો બિઝનેસ દુબઈમાં પણ ફેલાયેલો છે અને સતત દુબઈ આવતા-જતા રહે છે. મેઘ શાહના બહેનના જણાવ્યા મુજબ મેઘ શાહ શેર ટ્રેડિંગ બિઝનેસ સાથે સંકળાયેલા છે અને હાલ મુંબઈમાં રહે છે.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245