પિયરના આશરેથી જીવન ગુજારી રહેલી એક ૩૨ વર્ષીય પરિણીતાએ તેના પતિ, સાસુ, સસરા અને બે નણંદો વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપવા તેમજ દહેજની માંગણી કરવા અંગે તાપી જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મહિલાના લગ્ન વર્ષ ૨૦૨૧માં સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. મહિલાના પતિ સરકારી વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્નના થોડા જ દિવસો બાદ સાસુ અને નણંદોએ “તારા પિતા વકીલ છે તો તેમણે લગ્નમાં શું આપ્યું?” તેમ કહીને અવારનવાર મેણાટોણા મારવાનું શરૂ કર્યું હતું. પીડિતા વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ હોવા છતાં તેને પ્રેક્ટિસ કરવા દેવામાં આવતી ન હતી. પતિ નોકરીના સ્થળે સાથે રાખતા હોવા છતાં, સાસરી પક્ષના અન્ય સભ્યોની ચઢામણીથી અવારનવાર ઝઘડા કરી માનસિક ત્રાસ આપતા હતા. આ વિવાદનો અંત ત્યારે આવ્યો જ્યારે સપ્ટેમ્બર ૨૦૨૪માં ગણપતિ મહોત્સવ દરમિયાન નાની બાબતે તકરાર થઈ હતી. પીડિતાના જન્મદિવસે જ ખર્ચ ન કરવો પડે તેવા ઈરાદાથી સાસરીયાઓએ ઝઘડો કરી, ગાળો આપીને તેણીને પહેરેલા કપડે ઘરની બહાર કાઢી મૂકી હતી. આખરે પીડિતાનો ભાઈ તેને પિયર વ્યારા લઈ આવ્યો હતો.
ત્યારબાદ બંને પક્ષના આગેવાનો વચ્ચે ઉનાઈ અને નવસારી ખાતે સમાધાન માટે બેઠકો યોજાઈ હતી. પરંતુ સાસરીયા પક્ષે મહિલાને સાથે લઈ જવાનો ઈનકાર કર્યો હતો અને છૂટાછેડા માટે કેટલા પૈસા જોઈએ છે તેવી માંગણી કરી હતી. એટલું જ નહીં, પીડિતાના તમામ સોના-ચાંદીના દાગીના, કરિયાવરનું ફર્નિચર અને અભ્યાસના અસલ દસ્તાવેજો પણ સાસરીયાઓએ પોતાની પાસે જ રાખી લીધા છે.આખરે કંટાળીને પરિણીતાએ ન્યાય મેળવવા માટે મહિલા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે, જ્યાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.




Users Today : 1
Users Last 30 days : 353
Total Users : 14279