Explore

Search

August 13, 2026 8:38 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

સોનગઢમાં ખાખીના નામે ધમકી ? ટેમ્પો ચાલકને ઢોરમાર મારી ‘હું પોલીસ છું’ કહીને નકલી કે અસલી પોલીસવાળો રફુચક્કર!

સોનગઢ તાલુકાના જૂની કુઇલીવેલ ગામના ત્રણ રસ્તા પાસે ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈને એક સ્વીફટ કારના અજાણ્યા ચાલકે બોલેરો પિકઅપ ટેમ્પોના ચાલક અને ક્લીનર પર લોખંડના પાઇપ વડે હિચકારો હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલાખોર પોતાની ઓળખ ‘પોલીસ’ તરીકે આપીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સોનગઢ પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ તાલુકાના સાતકાશી ગામના વતની અને બોલેરો ચાલક સુલેમાન ઉર્ફે સુલીયો વસાવા પોતાના સાથીદારો યાકુબભાઈ અને જયેશભાઈ સાથે વ્યારાથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમણે એક સફેદ કલરની સ્વીફટ કાર નંબર જીજે/૦૬/કેપી/૭૭૭૬ ને ઓવરટેક કરી હતી. આ બાબતની અદાવત રાખીને સ્વીફટ કારના અજાણ્યા ચાલકે જૂની કુઇલીવેલ ગામ પાસે બોલેરો ટેમ્પોને આંતરીને ઊભો રખાવ્યો હતો. કાર ચાલકે “તમે રસ્તા પર આવી રીતે કેમ ડ્રાઇવિંગ કરો છો?” તેમ કહી ગુસ્સામાં કારની ડીક્કીમાંથી લોખંડનો પાઇપ કાઢ્યો હતો. તેણે પહેલા ક્લીનર સીટ પર બેસેલા યાકુબભાઈને ડાબા હાથની આંગળીઓ અને પગે પાઇપ ફટકારી દીધો હતો. ત્યારબાદ ડ્રાઈવર સુલેમાનને નીચે ઉતારીને આડેધડ પાઇપ મારતા સુલેમાનના ડાબા હાથના કાંડા પર ગંભીર ફેક્ચર ઈજા થઈ હતી અને બંને પગના નળાના ભાગે ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરે ટાંટીયા ભાંગી નાખવાની ધમકી પણ આપી હતી.

આસપાસના લોકો અને સંબંધીઓ દોડી આવતા હુમલાખોર પોતાને ‘પોલીસ’ ગણાવી ગાડી લઈને ભાગી છૂટ્યો હતો. ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સોનગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં સોનગઢ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર ચૌધરી દ્વારા ફરિયાદ નોંધીને, કલેક્ટરના હથિયારબંધી જાહેરનામાના ભંગ સહિત વિવિધ કલમો હેઠળ અજાણ્યા સ્વીફટ ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Our Visitor
0 1 4 8 4 4
Users Today : 3
Users Last 30 days : 358
Total Users : 14844