સોનગઢનાં સ્ટેશન રોડ પર આવેલ એક સોસાયટીનાં બંધ મકાનમાં ગત વર્ષ 2017માં ઘરફોડ ચોરી નોંધાઈ હતી. આ બનાવમાં સંડોવાયેલા આરોપીને સોનગઢ પોલીસ સ્ટાફ દ્વારા દાહોદ જિલ્લાનાં લીમખેડા તાલુકામાંથી દબોચી લેવામાં આવ્યો હતો.
આ અંગે મળેલી જાણકારી મુજબ સોનગઢનાં સ્ટેશન રોડ પર રહેતાં અને નિવૃત્ત જીવન ગાળતાં રામદાસભાઈ બાબુરાવ સોનવણે ગત તારીખ 10/11/17નાં રોજ પોતાનું મકાન બંધ કરી સુરત ખાતે રહેતાં તેમનાં દીકરાને ત્યાં ફરવા માટે ગયાં હતાં. તે સમયે પાછળથી કોઈ અજાણ્યાં ચોર ઇસમે તેમનાં બંધ ઘરનાં દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રહેલાં રોકડાં રૂપિયા 1,50,000/- અને સોના-ચાંદીનાં દાગીના મળી કુલ રૂપિયા 1,85,600/-ની ચોરી કરી નાસી ગયો હોવાની બાબત બહાર આવી હતી. આ સંદર્ભે જે તે સમયે સોનગઢ પોલીસ મથકે અજાણ્યાં ચોર સામે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કર્યો હતો. જિલ્લા પોલીસ વડાએ નાસતા ફરતાં વોન્ટેડ આરોપીઓને ઝડપી. લેવા માટેની સુચના સોનગઢ પોલીસને આપી હતી. આ ચોરીના બનાવમાં દાહોદનાં લીમખેડા તાલુકાનાં જાદા બેરિયા ગામમાં રહેતો રીઢો ચોર આપસિંગ મલાભાઈ પલાસની સંડોવણી હોવાની બાતમી પી.આઈ. કે.ડી.મંડોરા અને એહકો દશરથ ભુપતને મળી હતી.
આ બાતમી આધારે પી.એસ.આઈ. કે.આર.પટેલ, દશરથ ભુપત અને રાજુ ઝીણાની પોલીસ ટીમે લીમખેડા તાલુકાના અંતરિયાળ જંગલ વિસ્તારમાં વોન્ટેડ આરોપી આપસિંગ પલાસનું પગેરું દબાવી તેને એક ખેતર માંથી ઝડપી લીધો હતો અને તેને સોનગઢ પોલીસ મથકે લઈ આવ્યાં હતાં. પકડાયેલો આરોપી રીઢો ગુનેગાર છે અને તેની સામે લીમખેડા પોલીસ મથકે 2014માં ગેરકાયદે હથિયાર રાખવાનો, 2016માં ધાડપાડુ ટોળકી બનાવવાનો અને 2022માં હાઇવે પર લૂંટ કરવાના ગુના દાખલ થયા છે. આમ, સાત વર્ષથી વોન્ટેડ ચોરીનો આરોપી પકડાઈ જતાં આરોપીને જેલ હવાલે કરાયો હતો.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243