ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામના ગ્રામજનોએ સોમવાર ના રોજ જિલ્લા કલેક્ટરને એક સવિસ્તર આવેદનપત્ર પાઠવી, ગામના સર્વે નંબર-3ની ગૌચર જમીનમાં મંજૂર થયેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) ને અન્ય સરકારી પડતર જમીનમાં ટ્રાન્સફર કરવાની ઉગ્ર માંગ કરી છે.ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્કૂલના નિર્માણ માટે જમીન ફાળવણીની શરતોનો ભંગ થયો છે અને તેનાથી ગામનું રમતગમતનું મેદાન તથા લોકોના રહેણાંક જોખમમાં મુકાયા છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, વર્ષ 2019માં ગ્રામસભાએ 8 કડક શરતોને આધીન સ્કૂલ માટે જમીન આપવાનો ઠરાવ કર્યો હતો, જેમાં ક્રિકેટ ગ્રાઉન્ડ છોડવું અને સ્થાનિકોને રોજગારીમાં અગ્રિમતા આપવી મુખ્ય હતી. જોકે, કલેક્ટર કચેરીના શરત ભંગના નિયમ મુજબ 2 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાનું હતું, જે થયું નથી. આથી, ગ્રામજનોએ આ જમીન ફાળવણીનો હુકમ અને તેની નોંધ નંબર-1412 તાત્કાલિક રદ કરવા માંગ કરી છે.ગ્રામજનોએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે,છેલ્લા 30 વર્ષથી યુવાનો આ મેદાનનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે ગામના અનેક યુવક-યુવતીઓ CRPF, આર્મી અને પોલીસ જેવી સેવાઓમાં જોડાયા છે. ફાળવવામાં આવેલી જમીનમાં 100 વર્ષ જૂના 8-10 રહેણાંક મકાનો અને શ્રદ્ધાનું પ્રતીક એવું હનુમાનજીનું મંદિર આવેલું છે. ગામમાં 400થી વધુ પશુધન છે અને 250થી વધુ દૂધ ઉત્પાદકો પશુપાલન પર નભે છે. ગૌચર જમીન ઘટતા તેમના જીવનનિર્વાહ પર સંકટ આવી શકે તેમ છે.
ગ્રામજનોએ જણાવ્યું છે કે તેઓ વિકાસના વિરોધી નથી. તેમણે માણેકપુર અને સુંદરપુર વિસ્તારમાં ઉપલબ્ધ અન્ય સરકારી પડતર જમીનો (જેમ કે સર્વે નં. 115, જેમાં 16 હેક્ટર જમીન ખાલી છે) ના વિકલ્પો સૂચવ્યા છે. હાઈકોર્ટના ચુકાદા મુજબ પણ ગૌચર જમીન ‘અંતિમ વિકલ્પ’ તરીકે જ વાપરવી જોઈએ, તેમ છતાં સરકારી પડતર જમીન હોવા છતાં ગૌચર કેમ પસંદ કરાયું તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.જો ગ્રામજનોની આ ન્યાયિક માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો આગામી સમયમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આવેદનપત્રના અંતે આપવામાં આવી છે.




Users Today : 0
Users Last 30 days : 1006
Total Users : 13351