સોનગઢ નગરમાં આવેલા એકમાત્ર સાર્વજનિક મુસ્લિમ કબ્રસ્તાનમાં દફનવિધિ અને ધાર્મિક પરંપરાઓને લઈને ગંભીર વિવાદ ઉભો થયો છે.સુન્ની મુસ્લિમ સમાજના અરજદારોએ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવીને કબ્રસ્તાન ટ્રસ્ટના વહીવટકર્તાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે અને તાત્કાલિક ન્યાયની માંગ કરી છે.
અરજદારોના જણાવ્યા અનુસાર, ગત ૩ ફેબ્રુઆરીના રોજ “શબેબારાત” ના પવિત્ર તહેવાર નિમિત્તે તેઓ સુફી સંત મલંગશાબાવાનાં મજાર પર ફૂલ-ચાદર ચઢાવવા અને દુઆ કરવા ગયા હતા. આ દરમિયાન કબ્રસ્તાન મુસ્લિમ સમાજ ટ્રસ્ટના દેખરેખકર્તા ફારૂક કરીમ મન્સુરી અને પ્રમુખ સલીમભાઈ એ. મુલ્લાએ તેઓને અટકાવ્યા હતા. આક્ષેપ છે કે ટ્રસ્ટના સભ્યોએ મજારને તાળું મારી દીધું હતું અને અપશબ્દો બોલીને લોકોને બહાર કાઢી મૂક્યા હતા. જોકે, પોલીસની દરમિયાનગીરી બાદ તાળું ખોલાવવામાં આવ્યું હતું.અરજદારોનું કહેવું છે કે તેઓ સુફી પરંપરામાં માને છે અને મજાર શરીફમાં આસ્થા રાખે છે, જ્યારે હાલના ટ્રસ્ટીઓ “દેવબંદી પંથ” ના હોવાથી તેઓ ફૂલ, ચાદર કે અગરબત્તી જેવી પ્રથાઓને માનતા નથી. ટ્રસ્ટ દ્વારા કબ્રસ્તાનમાં નવા નિયમોના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.
અરજદારોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે તાજેતરમાં પોલીસ સ્ટેશનમાં હાજરી દરમિયાન ટ્રસ્ટના પ્રમુખે જાહેરમાં ધમકી આપી હતી કે જો કોઈ સુફી પંથની વ્યક્તિનું મૃત્યુ થશે, તો તેમને આ કબ્રસ્તાનમાં દફન કરવા દેવામાં આવશે નહીં. અરજદારોનું કહેવું છે કે સોનગઢમાં આ એકમાત્ર કબ્રસ્તાન છે અને તે સીટી સર્વે નં.૧૮૮૧ મુજબ “સાર્વજનિક મિલકત” છે, કોઈની ખાનગી માલિકી નથી.ગરીબ અને મજૂર વર્ગના આશર ૨૦૦ થી ૨૫૦ પરિવારો આ વિવાદથી ચિંતિત છે. તેઓએ કલેક્ટરને વિનંતી કરી છે કે ટ્રસ્ટ દ્વારા લાદવામાં આવેલા “ગેરબંધારણીય” નિયમો રદ કરવામાં આવે અને ગામની શાંતિ જળવાઈ રહે તે માટે દરમિયાનગીરી કરવામાં આવે.




Users Today : 0
Users Last 30 days : 1006
Total Users : 13351