તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઠગ ટોળકીએ લોકોને છેતરી કરોડો રૂપિયાનું કૌભાંડ કરી અનેક લોકોને લાખો રૂપિયાના દેવાદાર કરી દીધાનું રેકેટ પ્રકાશમાં આવ્યું છે. ટોળકી દ્વારા યુવાનોના નામે લોન મેળવવામાં આવી છે. લોન ભરપાઈ કરવાનું આવતા ગરીબ પરિવારોના માથે આભ તુટી પડયું છે.
નિઝર ગામના જી.આર.ડી. જવાન સહિત અનેક યુવાનોના ડોક્યુમેન્ટ મેળવીને નોકરી તથા લોન આપવાની સરકારની ખોટી સ્કીમ બતાવી પોતે બેંકના કર્મચારીઓ તરીકે ઓળખ આપીને ભેજાબાજ ટોળકીએ નિર્દોષોના ડોક્યુમેન્ટ અને સહીઓ લઈને વ્યક્તિદીઠ રૂ.૪૭.૫૦ લાખની લોન લઈ લીધી હતી. ઘટના અંગે જી.આર.ડી.વિશાલ વળવીએ ખોડદાના આકાશ પાડવી સહિત અન્ય ઇસમો સામે નિઝર પોલીસ મથકે ફરિયાદ કરી છે.
લાખો રૂપિયાની લોન લેવા સાથે યુવાનોના નામે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ સહિતની તમામ કાર્યવાહી ટોળકીએ કરી દીધી હોવાથી સમગ્ર મામલો યુવાનોને અંધારામાં રાખી ખેલાયો હતો. અંતે ઇન્કમટેક્સ વિભાગ તથા મામલતદાર કચેરીથી નોટિસ મળતા જ યુવાનો ચોંકી ઉઠ્યા હતા. માધ્યમો દ્વારા મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લાના નિઝર તાલુકાના અનેક વિસ્તારોમાં બેરોજગારો તેમજ વેપાર કરવા ઇચ્છુકોને ભેજાબાજ ટોળકીએ સરકારની ખોટી સ્કીમો બતાવી તેમજ પોતે બેંકના લોન મેનેજર તથા અન્ય કર્મચારીઓ તરીકે ઓળખ આપી તેમના નામે બેંકમાંથી લોન મેળવી લાખો-કરોડોનું કૌભાંડ કર્યું છે. ગરીબ-નિર્દોષ યુવાનો રાતોરાત લાખો રૂપિયાના દેવાદાર બનતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ઘટના અંગે નિઝર ગામના કેટેગરી વિસ્તારના જી.આર.ડી. વિશાલભાઈ સુરપસિંગભાઇ વળવીએ ફરિયાદ કરતા જણાવ્યું છે કે, સને ૨૦૨૩થી તા.૧૭-0૭-૨૦૨૫ દરમિયાન નિઝર તાલુકાના ખોડદાના રહીશ આકાશભાઈ નરેશભાઈ પાડવી તથા નરેન્દ્રભાઈ કોટડિયા, બ્રિજેશભાઈ પટેલ તથા અન્ય પાંચથી છ અજાણ્યા ઇસમોની ટોળકીએ યુવાન તથા અન્યો લોકોને વિશ્વાસમાં લઈ તેઓના ડોક્યુમેન્ટ લીધા હતા. ઠગ ટોળકીએ બેંકના ફોર્મ ઉપર સહીઓ કરાવી તેમજ નવા સીમકાર્ડ યુવાનોના નામે કઢાવી ધી કોસમોસ કો.ઓ. બેંક લિ. માંથી વ્યક્તિદીઠ રૂ. ૪૭.૫૦ લાખની ગેરકાયદે રીતે લોન મેળવી લીધી હતી.




Users Today : 17
Users Last 30 days : 769
Total Users : 11237