વ્યારા તાલુકાનાં કાટગઢ ખાતે આવેલી પી.પી સવાણી શાળામાં બાળકોને મૂકી પરત થઈ રહેલી ખાનગી સ્કૂલવાનનું આગળની તરફનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી વ્યારાના તાડકુવા ગામની સીમમાં આવેલ જૂના હાઈવે પરના પુલ નજીકથી પલટીને વાન ૧૫ ફૂટ નીચે મીંઢોળા નદીની ખાડીમાં પડી હતી. જોકે ચાલકનો બચાવ થતા જાનહાની ટળી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં ગોલવાડમાં રહેતા ભાવિનભાઈ રાણાની ખાનગી ઈકો ગાડી શાળાની વર્દીમાં ફરે છે. જોકે તારીખ ૧૦/૦૭/૨૦૨૫ નાંરોજ ગાડીનો ચાલક સંજય ગામીત (રહે.વ્યારા)એ વ્યારા કાટગઢ ગામની સીમમાં આવેલ પી.પી. સવાણી સ્કૂલનાં બાળકોને વ્યારાનાં અલગ અલગ વિસ્તારમાંથી લઈ જઈ સવારે શાળાએ ઉતાર્યા હતા. ત્યારબાદ સવારે આઠ વાગ્યાનાં સુમારે ચાલક સ્કૂલ વાન હંકારી વ્યારા જુના હાઇવે પરથી પરત થઇ રહ્યો હતો. તે સમયે વ્યારાનાં તાડકુવા ગામની સીમમાં વાઈટ હાઉસની સામે તરફ પસાર થતી મીંઢોળા નદીની ખાડીના પુલ પહેલા આગળના ડાબા ટાયરમાં ખીલો ઘુસી જતા ટાયર ફાટી ગયું હતું જેથી ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ગાડી પલ્ટીને સીધી ૧૫ ફુટ નીચે મીંઢોળાની ખાડીમાં ખાબકી હતી. જોકે અકસ્માતે ચાલક સંજય ગામીતનો આબાદ બચાવ થયો હતો અને ગાડીમાં બાળકો પણ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.
