રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અનુસાર તાપી જિલ્લાની કુલ-૯૬ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/પેટા ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા.૨૨/૬/૨૦૨૫ ના રોજ થનાર છે.ત્યારે ચૂંટણી દરમિયાન ચૂંટણીલક્ષી કામગીરી માટે સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ અને વિશ્રામગૃહોના ઉપયોગ અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તાપી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.
જાહેરનામા મુજબ તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી હેઠળના વિસ્તારમાં આવેલ તમામ ડાક બંગલાઓ, સરકારી/અર્ધસરકારી આરામગૃહો, વિશ્રામગૃહો, ફોરેસ્ટ ગેસ્ટહાઉસ તથા જાહેર સ્થળો હોય તેવા તમામ ગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષોના હોદ્દેદારો, કાર્યકરો ચૂંટણી લડતા ઉમેદવારો કે તેમના એજન્ટોએ રાજકીય હેતુસર અથવા ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગને પણ મંજુરી આપી શકાશે નહી.ચૂંટણી પ્રચારમાં આવેલા જે મહાનુભાવોને સરકારી વિશ્રામગૃહ, અતિથિ ગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવી હોય તે મહાનુભાવોને લાવવા લઇ જતા વાહનને જ સરકારી વિશ્રામગૃહ/અતિથિ ગૃહ વિગેરેના કંમ્પાઉન્ડમાં રાખવાની પરવાનગી આપી શકાશે. જો તેઓ એક કરતા વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો તેઓ બેથી વધુ વાહનોને વિશ્રામગૃહ/અતિથિ ગૃહ વિગેરેના કંમ્પાઉન્ડમાં રાખી શકાશે નહી.કોઇ એક જ વ્યકિતને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહી તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા કોઇપણ માનુભાવોને મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ/અતિથિ ગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહી. તથા અતિથિ ગૃહોમાં રહેવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવી હશે તો તેઓની પાસેથી નકકી કરેલ સામાન્ય દરોએ પુરેપુરી વસુલાત લેવાની રહેશે. આ હુકમ આગામી તા.૨૭/૦૬/૨૦૨૫ના કલાક ૨૪.૦૦ સુધી આ સાથે સામેલ પરિશિષ્ટ-અ,બ તથા ક મુજબના વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249