તાપી જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ વ્યારા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની આદર્શ આચારસંહિતા મુજબ ચૂંટણી દરમિયાન તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર. આર. બોરડે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામા મુજબ ચૂંટણી લડતા ઉમેદવારોએ અથવા રાજકીય પક્ષો દ્વારા જાહેરાતના પાટિયા, બેનરો, હોર્ડિંગ્સ વગેરે કોઈપણ જાહેર સ્થળોએ મુકવા નહીં. જો કટ આઉટ, હોર્ડિંગ્સ વગેરે ખાનગી માલિકીની જગ્યામાં સક્ષમ અધિકારીશ્રીની પરવાનગીથી મૂકવામાં આવે તો હોર્ડિંગ્સની સાઈઝ ૧૫ ફૂટ × ૮ ફૂટથી વધારે હોવી જોઈએ નહીં. કટ આઉટની ઊંચાઈ ૮ ફૂટથી વધવી જોઈએ નહીં. કટ આઉટ, જાહેરાત, પાટીયા, બેનરો વગેરે કોઈ સ્થળે મુકતા પહેલા તે અંગેની જાણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને કરવાની રહેશે.કટ આઉટ, હોર્ડિંગ્સ, બેનર વગેરે કોઈપણ જાહેર જગ્યાએ મૂકી શકાશે નહીં, એટલે કે સરકાર, નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વગેરે હસ્તકની જાહેર જગ્યાએ (આવી જગ્યા કે મિલકત ભાડે આપી હશે તો પણ) મૂકી શકાશે નહીં. આ જાહેરનામાની અમલવારી તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર તેમજ જિલ્લા-તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. ૩૦-૦૪-૨૦૨૬ સુધી કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.




Users Today : 19
Users Last 30 days : 425
Total Users : 13780