સોનગઢની કોર્ટે ઘરેલુ હિંસાના કેસમાં પત્ની અને ત્રણ સંતાનોને ભરણપોષણની રકમ ન ચૂકવનાર પતિ સામે કડક વલણ અપનાવી 420 દિવસની સાદી કેદની સજા ફટકારી છે.આરોપી પતિ પાસે કુલ Rs 2,29,500 ની રકમ લેણી નીકળતી હોવા છતાં તેણે કોર્ટમાં નાણાં ભરવાની અસમર્થતા દર્શાવતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તેને જેલભેગો કરવાનો આદેશ કર્યો છે.
મળેલી વિગત મુજબ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે રહેતા મોસીમ બીકન કાંકર સામે તેની પત્ની સમીના ફકીરા કાંકર અને ત્રણ સંતાનોએ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ભરણપોષણ મેળવવા કેસ દાખલ કર્યો હતો. સોનગઢ કોર્ટે દ્વારા ગત તા. 30/05/2024 ના રોજ પત્નીને માસિક રૂ.3000 અને ત્રણ સંતાનોને માસિક રૂ.1500 લેખે કુલ રૂ.7500 ચુકવવાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત મકાન ભાડાના રૂ.42,000 અને વળતરના રૂ.30,000 પણ ચૂકવવાના હતા.આ સંદર્ભે લાંબા સમયથી રિકવરી વોરંટ હોવા છતાં પતિ રકમ ભરતો ન હતો. શનિવાર ના રોજ આરોપી મોસીમ કાંકર કોર્ટમાં હાજર થયો હતો. કોર્ટે તેને રકમ ભરવા અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે,મારી પાસે કોઈ સગવડ નથી અને હું રકમ ભરી શકું તેમ નથી.આરોપી પાસે કોઈ જંગમ મિલકત પણ ન હોવાનું સામે આવ્યું હતું.
સોનગઢના 11 મા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (F.C.) એમ.ડી. પરમારે નોંધ્યું હતું કે, આરોપીને કોર્ટના હુકમની જાણ હોવા છતાં તેણે રકમ ભરવાની કોઈ દરકાર લીધી નથી.આથી ફોજદારી સંહિતાની કલમ 125(3) મુજબ, કોર્ટે 21 માસના ચડત ભરણપોષણના ભંગ બદલ પ્રતિ માસ 20 દિવસની સજા લેખે કુલ 420 દિવસની સાદી કેદની સજા ફટકારી છે અને આ અંગે કોર્ટ કસ્ટડીમાં લેવા માટે સોનગઢ જેલરને જાણ કરી હતી.જો આરોપી લેણી નીકળતી પૂરેપૂરી રકમ ભરી દે તો તેને તાત્કાલિક જેલમુક્ત કરવા પણ જણાવાયું છે.




Users Today : 16
Users Last 30 days : 768
Total Users : 11236