તાપી જિલ્લામાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે સજા ફટકારી છે. સગીરા પર દુષ્કર્મ આચરનારને ૨૫ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આરોપીએ સ્કૂલ ફીના બદલામાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. વારંવાર દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની હતી. જયારે સગીરાએ બાળકને જન્મ આપતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આરોપી રાકેશ ધોબીને તાપી સેશન્સ કોર્ટે ૨૫ વર્ષની સજા તથા ૫ હજારનો દંડ ફટકાર્યો હતો.
મળતી માહિતી મુજબ, તાપી જિલ્લામાં વર્ષ ૨૦૨૩નાં ઓગસ્ટના રોજ નિઝર પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી હતી. સગીરાને સ્કૂલ ફીના રૂપિયા ૨ હજાર આપી બદલામાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સગીરા પર ૩૫ વર્ષીય રાકેશ રાધેશ્યામ ધોબીએ દુષ્કર્મ કર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. નરાધમ રાકેશ ધોબીએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી ગયો અને બાળકને જન્મ આપતા ભાંડો ફૂટ્યો હતો. આ કેસમાં જિલ્લા સેશન્સ કોર્ટમાં સગીરાની જબાની અને સગીરાએ જન્મ આપેલ બાળકનું ડીએનએ પરીક્ષણમાં રાકેશ ધોબી જ બાળકનો બાયોલોજીકલ પિતા હોવાનું સાબિત થયું હતું. કોર્ટે આરોપી રાકેશ રાધેશ્યામ ધોબીને ૨૫ વર્ષની સખત કેદની સજા અને ૫ હજારનો દંડ ફટકાર્યો હતો.
