વ્યારાના કપડવણમાં નાની-મોટી પૂજાપાઠ કરતા ભગત પોતાના નાણાં ડબલ કરવા માટે અન્ય એક તાંત્રિક વિધી જાણનાર ઈસમના સંપર્કમાં આવ્યો હતો. જેઓ રાત્રિ દરમિયાન તાંત્રિકવિધી કરવા ખેતરમાં નાણાં લઇને ગયા હતા, તે દરમિયાન તાંત્રિકે વિધી કરેલા ચોખા પાછળ જોયા વગર દુર નાંખવા મોકલ્યા અને રોકડા રૂપિયા ૫.૫૧ લાખ તથા મોબાઈલ મળી રૂપિયા ૫.૬૬ લાખનો મુદ્દામાલ લઇને બે ઇસમો રફુચક્કર થઈ જતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.આ પ્રકરણમાં વ્યારાના તાડકુવા ગામેથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે વ્યારાના કપડવણ ગામના નિશાળ ફળીયાના રહીશ નરેશભાઈ દિનેશભાઈ ગામીત કડીયાકામ કરે છે તેમજ ઘરમાં જ દેવમોગરા માતાજીનું મંદિર બનાવ્યું છે. જ્યાં પૂજાપાઠ, ભગતનું કામ પણ કરે છે, દરમિયાન તેમની પાસે જમીન વેચાણના નાણાં આવ્યા હતા.તેઓ નવું મકાન બાંધવાની તૈયારી કરતા હતા. તેમના કહેરના મિત્ર શંકરભાઈ તથા નરેશભાઈ (મઢી)એ તેમને જણાવ્યું કે, તાડકુવા ગામે પરબતભાઈ બરાઈ નામનો તાંત્રિક વિદ્યા જાણે છે જે પૈસા ડબલ કરે છે જેથી તેનો સંપર્ક કર્યો હતો. તાંત્રિક વિધિ કરી પૈસા ડબલ કરી આપવાની લાલચ પરબતભાઈ બરાઈ (રહે.તાડકુવા, તા.વ્યારા) તથા હર્ષદ બાપુએ આપી હતી, જેથી તેઓના જણાવ્યા મુજબ તા.૧૯-૦૫-૨૫ના રોજ નરેશભાઈ તેમના બે મિત્રોને લઈને તેમના ખેતરમાં ગયા હતા, જ્યાં પરબતભાઈ તથા હર્ષદ બાપુએ તાંત્રિક વિધિ ચાલુ કરી હતી. જેમણે નરેશભાઈ પાસે ઘરે મુકેલા રૂપિયા ૫.૫૧ લાખ મંગાવી વિધિમાં મુકવા કહ્યું હતું.
વિધિમાં તાંત્રિકે નરેશભાઈ તથા તેમના બંને મિત્રોને બેસાડી વિધિ ચાલુ કરી હતી, ત્રણેયના મોબાઈલ બંધ કરાવી વિધિમાં મુકાવી દીધા હતા, ત્યારબાદ ત્રણેયને હાથમાં ચોખા આપી જણાવ્યું કે, આ ચોખા તમે ત્રણેય થોડે દુર નાંખી આવો અને નાખવા જતી વખતે કોઇએ પાછા ફરીને જોવાનું નથી તેમ કહેતા ત્રણેય ચોખા નાંખવા ગયા એ દરમિયાન પરબતભાઈ તથા તેની સાથે આવેલ હર્ષદ બાપુએ રોકડા રૂપિયા ૫.૫૧ લાખ તથા ત્રણ મોબાઇલ રૂપિયા ૧૫૦૦૦ લઈને ભાગી ગયા હતા, જેઓની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો મળ્યો ન હતો.
બનવા અંગે વ્યારા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરતા વ્યારાના તાડકુવા ગામના ક્રિષ્ના નગરમાં રહેતા પરબતભાઈ ભાયાભાઈ બરાઈને પાડવામાં આવ્યો હતો,જયારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ કરી હોવાનું જાણવા મળ્યું છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243