વ્યારા નગરનાં સુરતી બજારમાં વહેલી સવારે સફેદ ટવેરા ગાડી લઈ આવેલ ૫ જેટલા અજાણ્યા ચોર તસ્કરોએ નંદનવન એપાર્ટમેન્ટમાં સર્જીકલ સાધનોના હોલ સેલરને ત્યાંથી ગલ્લામાં મુકેલ રૂપિયા ૪૦૦થી ૫૦૦ તથા વકીલની ઓફિસ સહિત અન્ય ૪ મકાનમાં કઈ ન મળતા સામાન વેર-વિખેર કરી તસ્કરો ફરાર થયા હતા. જોકે આસપાસ મુકેલ સીસીટીવી કેમેરામાં અજાણ્યા તસ્કરો કેદ થયા હતા.
મળતી માહિતી મુજબ, વ્યારા નગરનાં સુરતી બજારમાં વહેલી સવારે ચાર વાગ્યા સુમારે એક સફેદ કલરની ટવેરા ગાડી લઈને આવેલા ૪થી ૫ અજાણ્યા તસ્કરોએ બહુચરા ચોક સામે આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં પલ ડિસ્ટ્રીબ્યુટર્સ નામની સર્જીકલ તથા ઓર્થોપેડિક મેડિકલ સામાન ના હોલસેલર પલક શાહની દુકાનના તાળાને કટર જેવા સાધનો વડે તોડી અંદર ગલ્લામાં મુકેલ રૂપિયા ૪૦૦થી ૫૦૦ની ચોરી કરી હતી. ત્યારબાદ બીજા માળે ભરતીબેન જરીવાલાનાં બંધ ઘરનું તાળું તોડી સામાન વેર-વિખેર કર્યો હતો તથા સામે ભીખુભાઈ શાહ, તથા કેયુર મધુસુદનભાઈ શાહનાં બંધ, મકાન તથા આગળ વકીલ ઉમેશ શાહના ઘરની ઓફિસને નિશાના બનાવ્યા હતા. જોકે ઉપરોક્ત મકાનોમાં કઈ ન મળતા તસ્કરોએ સામાન વેર-વિખેર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતાં તાપી એલ.સી.બી. સહિત ટાઉન પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
