ગુજરાતીની વિદેશ જવાની ઘેલછા જગજાહેર છે. આ વર્ષની શરૂઆતમાં ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે વસતાં ભારતીયોને હાંકી કાઢ્યા હતા તેમ છતાં હજુ લોકો ગેરકાયદે ઘૂસણખોરી કરી રહ્યા છે.બે દિવસ પહેલાં અમેરિકાના સેન ડિયાગોના દરિયા કાંઠે દુર્ઘટના બની હતી. બોટ પલટી જવાથી બે ભારતીય સહિત નવ લોકો ગુમ થયા હતા. ગુમ બાળકોના માતા-પિતા હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ કેસની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. મૃતકો મહેસાણા જિલ્લાના વિજાપુરના વતની હતા અને પરિવાર સાથે અમેરિકા સેટ થવા માટે જઈ રહ્યાં હતા.
મળતી વિગત પ્રમાણે, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આનંદપુરા ગામના બ્રિજેશ પટેલ અને તેમના પત્ની જાગૃતિબેન પોતાના બે બાળકો સાથે મેક્સિકોથી અમેરિકા જવા નીકળ્યા હતા.સેન ડિએગો કિનારે પહોંચતા જ દરિયાનું મોજું આવ્યું અને નૌકા પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં તેમના 10 વર્ષીય પુત્ર પ્રિન્સનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે 15 વર્ષીય પુત્રી મહિનાના મૃતદેહની શોધખોળ ચાલુ છે.
પતિ બ્રિજેશ પટેલ અને પત્ની જાગૃતિબેન પટેલ હાલ સિપ્રસ મેમોરિયલ હૉસ્પિટલ સેન ડિએગોમાં સારવાર હેઠળ છે અને બંને યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનની કસ્ટડીમાં છે. ભારતના સેન ફ્રાન્સિસ્કો સ્થિત કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પર આ ઘટનાની પુષ્ટિ કરી હતી.કોસ્ટગાર્ડના પ્રવક્તાના કહેવા મુજબ, ગુમ થયેલા લોકોની ભાળ મેળવવા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ બોટ ક્યાંથી આવતી હતી અને ક્યાં જવાની હતી તે સ્પષ્ટ થઈ શક્યું નથી.દુર્ઘટનાગ્રસ્ત બોટનો મોટાભાગે માછીમારો દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો. છેલ્લા થોડા સમયથી તસ્કરો દ્વારા આ બોટનો ઉપયોગ કરવામાં આવતો હતો.




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241