ડાંગ જિલ્લામાં આજે તારીખ ૨૭ ઓગસ્ટ સવારના ૬ કલાક સુધી પુરા થતાં છેલ્લાં ૨૪ કલાક દરમિયાન, જિલ્લામાં સરેરાશ ૧૩૨.૩૩ મી.મી.વરસાદ નોંધાયો છે.
જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આજે સવારના ૬ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન આહવા તાલુકામાં ૧૧૮ મી.મી (મોસમનો કુલ ૨૧૬૮ મી.મી), વઘઇમાં ૧૫૫ મી.મી (મોસમનો કુલ ૨૧૯૬ મી.મી), સુબીરમાં ૧૨૪ મી.મી (મોસમનો કુલ ૧૯૧૭ મી.મી), મળી જિલ્લામાં સરેરાશ ૧૩૨.૩૩ મી.મી (મોસમનો કુલ ૨૦૯૩.૬૭ મી.મી), વરસાદ નોંધાયો છે. જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૩૯ મી.મી વરસાદ નોંધાવા પામ્યો છે.
દરમિયાન આજે સવારે ૮ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના ૧૫ માર્ગો ખુલ્લા થતા, હવે માત્ર ૫ જેટલા ગ્રામ્ય માર્ગો જ, વરસાદી પાણીને લઈ અવરોધાયેલા છે. જેમાં વઘઇ તાલુકાના (૧) કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, (૨) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૧, (૩) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૨, (૪) આહેરડી-બોરદહાડ રોડ, અને (૫) ઘોડવહળ વી.એ.રોડ, ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી, તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.
જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.દરમિયાન વરસાદની પરિસ્થિતિ ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા રાઉડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલની સૂચના અને આદેશ અનુસાર વિજ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, વન વિભાગ, ગ્રામ્ય કક્ષાએ મહેસુલી તલાટીઓ, ગ્રામ સેવકો વિગેરે દ્વારા પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે.દરમિયાન સુબીર તાલુકાના સુબીર-મહાલ રોડ ઉપર કડમાળ ગામે રાત્રીનાં સમયે વૃક્ષ ધરાશાહી થતાં, વન વિભાગે તાત્કાલિક વૃક્ષ હટાવી રાહેદારીઓ માટે રસ્તો ખુલ્લો કર્યો હતો.જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી, તંત્રના સંબંધિત વિભાગોને માર્ગદર્શિત કરી રહ્યા છે. દરમિયાન લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેતા, તેમનું કાર્ય મથક નહિ છોડવાની પણ તાકીદ કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મનભરીને માણવા માટે, પ્રકૃતિપ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે. ત્યારે અહીંના નદી, નાળા, કોતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષો, વન્યજીવો વિગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો, ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનું જોખમ ઊભું કરતા હોય છે. જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે.
જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક નહિ કરવા, જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી નહિ કરવા, નદી-નાળા-કોતરો કે જળધોધમા નહિ ઉતરવા, વરસાદી વ્હેણ કે પાણી ભરાયાં હોય તેવા માર્ગો કે પુલો ઉપરથી પસાર નહીં થવા સાથે, ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહિ કરવા, કાયદો વ્યવસ્થા જાળવતા લાશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવા જેવી બાબતે, વિશેષ જાગૃતિ સાથે પ્રજાધર્મ નિભાવવા, જિલ્લા વહીવટી તંત્રએ સૌને ફરીવાર અપીલ કરી છે.




Users Today : 0
Users Last 30 days : 904
Total Users : 11414