શું તમારા વિસ્તારના રસ્તાઓ ખરાબ છે? જો હા, તો હવે ફરિયાદ માટે તમારે કોઈ ઓફિસ જવું નહીં પડે. ઘરે બેઠાં જ આંગળીના ટેરવે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ માટે ‘GujMarg (ગુજમાર્ગ)’ એપ્લિકેશનની મદદથી ફરિયાદ નોંધાવી શકો છો.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના માર્ગોને સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી ‘ગુજમાર્ગ એપ્લિકેશન’ કાર્યરત છે. આ એપ્લિકેશન, જે ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી છે. જે નાગરિકોને માર્ગ સંબંધિત સમસ્યાઓની જાણ કરવા અને ટ્રાફિક વ્યવસ્થાપનમાં સક્રિય ભાગીદારી નોંધાવવા માટે એક સરળ અને અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડે છે. તો ચાલો જાણીએ, ગુજમાર્ગ એપ્લિકેશન વિશે…
ગુજમાર્ગ એપ્લિકેશનનો મુખ્ય હેતુ:- ગુજમાર્ગ એપ્લિકેશનનો પ્રાથમિક ઉદ્દેશ નાગરિકોને “આંખ અને કાન” બનાવીને ગુજરાતના માર્ગો પરની સમસ્યાઓને ઝડપથી ઓળખવી અને તેનું નિરાકરણ લાવવાનો છે. આ એપ્લિકેશનનો હેતુ માત્ર સમસ્યાઓની જાણ કરવાનો નથી, પરંતુ નાગરિકોને માર્ગ સલામતી માટે જવાબદાર નાગરિક તરીકે સશક્ત કરવાનો પણ છે. આ એપ્લિકેશન થકી સરકારને વાસ્તવિક ડેટા મળે છે, જે તેમને વધુ સારી માર્ગ નીતિઓ ઘડવામાં અને તાત્કાલિક પગલાં લેવામાં મદદ કરે છે,જેથી માર્ગ અકસ્માતો ઘટાડી શકાય અને ટ્રાફિક પ્રવાહ સુધારી શકાય.
જાણો, એપ્લિકેશનની મુખ્ય સુવિધાઓ વિશે:- આ એપ્લિકેશન માર્ગ વપરાશકર્તાઓ અને માર્ગ અને મકાન વિભાગ બંને માટે અત્યંત ઉપયોગી છે. આ એપ્લિકેશનમાં ફરિયાદ નોંધણીની પ્રક્રિયા અત્યંત સરળ અને તબક્કાવાર બનાવવામાં આવી છે, જે વપરાશકર્તાને સરળતાથી ફરિયાદ નોંધાવવામાં મદદ કરે છે. વપરાશકર્તાએ સૌ પ્રથમ ફરિયાદનો પ્રકાર પસંદ કરવાનો રહે છે.સમસ્યા દર્શાવતો ફોટો લેવાની સુવિધા એપમાં છે, જે સ્થળની ચોક્કસ માહિતી પૂરી પાડે છે. તદુપરાંત સમસ્યાનું વિગતવાર વર્ણન અને અન્ય જરૂરી માહિતી ઉમેરી શકાય છે.
એપ્લિકેશન થકી માર્ગ સંબંધિત વિવિધ સમસ્યાઓની જાણ વિગતવાર કરી શકાય છે, જેમ કે, ક્ષતિગ્રસ્ત પુલ (Bridge Damaged): પુલની માળખાકીય ખામીઓ કે નુકસાનની જાણ કરવા માટે ક્ષતિગ્રસ્ત પુલની પેરાપેટ (Parapet Damaged): પુલ પરની રક્ષક દીવાલ કે રેલિંગને નુકસાન માટે ખરાબ માર્ગ (Degreded Road): ખાડા, તૂટેલા રોડ, કે અન્ય સપાટીની ખામીઓ માટે ક્ષતિગ્રસ્ત રેલિંગ (Railing Damaged): રસ્તા કે પુલ પરની રેલિંગને નુકસાન માટે ખાડાઓ (Potholes): રસ્તા પરના ખાડાઓ જે વાહનવ્યવહાર માટે જોખમી છે તેના માટે ક્ષતિગ્રસ્ત સ્ટ્રક્ચર (Structure Damaged): માર્ગ પરના અન્ય કોઈ માળખાકીય બાંધકામને નુકસાન માટે રસ્તા પર પડી ગયેલ વૃક્ષ (Fallen Tree): વાવાઝોડા કે અન્ય કારણોસર રસ્તા પર પડી ગયેલા વૃક્ષો માટે રોડ/પુલ પર પાણી ભરાઈ જાય છે (Road overtopped): વરસાદ કે અન્ય કારણોસર રસ્તા કે પુલ પર પાણી ગયું હોય તો તેના માટે બમ્પ પેઇન્ટ કરેલ નથી (Bump not painted): સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટીઓ ન હોવી, જે અકસ્માતનું કારણ બની શકે છે તેના માટે રસ્તા પર ભંગાણ (Breach on Road): રસ્તાનો કોઈ ભાગ ધસી પડ્યો હોય કે તૂટી ગયો હોય તેના માટે જાણો, એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો?
ગુજમાર્ગ એપ્લિકેશન Google Play Store અને Apple App Store પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશન ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં ઉપલબ્ધ છે.એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, વપરાશકર્તાઓએ મોબાઈલ નંબર, ઇમેલ એડ્રેસ એડ કરી સરળ નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. એકવાર નોંધણી થઈ જાય પછી, તેઓ ઉપર જણાવેલ તમામ સુવિધાઓનો લાભ લઈ શકે છે.ફરિયાદ નોંધાવવા માટે, વપરાશકર્તાએ સમસ્યાનો પ્રકાર પસંદ કરી, સ્થળનો ફોટો અપલોડ કરવાનો રહે છે ત્યારબાદ સમસ્યા વિશે વિગતવાર વર્ણન કરવાનું રહે છે. આ માહિતી સીધી જ સંબંધિત સરકારી વિભાગો સુધી પહોંચશે,વપરાશકર્તા તેના દ્વારા કરવામાં આવેલી જુદીજુદી ફરિયાદના સ્ટેટસ પણ જાણી શકશે. જેમકે, વપરાશકર્તા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પ્રગતિ હેઠળ (Inprogress), પૂર્ણ (Completed) કે નકારી (Rejected) છે તે સરળતાથી જાણી શકાય છે. નોટિફિકેશનના માધ્યમથી વપરાશકર્તાને ફરિયાદના સ્ટેટસની જાણ થતી રહે છે.
ગુજમાર્ગ એપ્લિકેશનના ફાયદાઓ વિશે.. : ઝડપી સમસ્યા નિરાકરણ: નાગરિકો દ્વારા સીધી જાણ થવાથી, માર્ગ અને મકાન વિભાગ સંબંધિત સમસ્યાઓ પર તાત્કાલિક ધ્યાન આપી શકે છે અને તેનું નિરાકરણ લાવી શકે છે.
પારદર્શિતા અને જવાબદારી: નાગરિકોની સીધી ભાગીદારીથી સરકારી વિભાગોની જવાબદારી વધે છે અને કામગીરીમાં પારદર્શિતા આવે છે.માર્ગ સલામતીમાં સુધારો: ખાડા, ક્ષતિગ્રસ્ત માર્ગો અને અન્ય જોખમી પરિસ્થિતિઓ ઝડપથી દૂર થવાથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે, જેનાથી માર્ગ સલામતીમાં નોંધપાત્ર સુધારો થશે.
નાગરિક સશક્તિકરણ: આ એપ્લિકેશન નાગરિકોને સકારાત્મક પરિવર્તન લાવવા માટે સક્રિય ભૂમિકા ભજવવા માટે સશક્ત બનાવે છે.
કાર્યક્ષમ ટ્રાફિક વ્યવસ્થાપન: માર્ગની સ્થિતિ વિશે રીઅલ-ટાઇમ ડેટા ઉપલબ્ધ થવાથી, ટ્રાફિક વ્યવસ્થાપન વધુ કાર્યક્ષમ બને છે.આમ, ગુજમાર્ગ એપ્લિકેશન ગુજરાતમાં માર્ગ સલામતી અને માર્ગ સંરક્ષણ માટે એક મહત્ત્વપૂર્ણ એપ્લિકેશન છે. આ એપ્લિકેશન એ ગુજરાત સરકાર દ્વારા નાગરિકોની સક્રિય ભાગીદારીથી રાજ્યના માર્ગોને વધુ સુરક્ષિત, સુગમ અને કાર્યક્ષમ બનાવવાની દિશામાં એક પ્રશંસનીય પ્રયાસ છે. આ એપ્લિકેશન ખરેખર “જન ભાગીદારી” દ્વારા માર્ગ સલામતીના લક્ષ્યને હાંસલ કરવા તરફનું એક મોટું પગલું છે.
