Explore

Search

April 10, 2026 2:32 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

ઉચ્છલના સુંદરપુરમાં ખેલ મેદાનના નામે રૂ.૧૪.૩૫ લાખની ઉચાપતનો આક્ષેપ: ગ્રામજનોમાં રોષ

ઉચ્છલ તાલુકામાં આવેલા સુંદરપુર ગામમાં રમતગમતના મેદાનના વિકાસ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત સાથે ગ્રામજનોએ રાજ્યકક્ષાના મંત્રી શ્રી જયરામભાઈ ગામીતને લેખિત અરજી કરી તપાસની માંગ કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કાગળ પર વિકાસ બતાવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી છે.

અરજીની વિગતો મુજબ, સુંદરપુર ગામના સર્વે નંબર-૩ માં વર્ષો જૂનું ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલું છે. આ મેદાનને એથ્લેટીક પ્લે ગ્રાઉન્ડ તરીકે વિકસાવવા માટે વર્ષ ૨૦૨૨માં સરકાર દ્વારા રૂ.૧૪,૩૫,૦૦૦ ફાળવવામાં આવ્યા હતા. તારીખ ૨૪/૦૩/૨૦૨૨ ના રોજ આ કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજદિન સુધી મેદાન પર કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. માત્ર બિલો રજૂ કરી લોકોના ટેક્સના નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.

ગ્રામજનોએ વધુમાં જણાવ્યું છે કે, સ્થાનિક સરપંચ અને સંલગ્ન અધિકારીઓએ પોતાની અનિયમિતતા છુપાવવા માટે આ જ જમીન પર વર્ષ ૨૦૨૨-૨૩ માં હેતુફેર કરી EMRS સ્કૂલ ફાળવવા માટે કલેક્ટરશ્રીને ગેરમાર્ગે દોર્યા છે. નિયમ મુજબ, ગ્રાઉન્ડ માટે ફાળવેલી રકમથી ૧૦ વર્ષ સુધી તેની જાળવણી થવી જોઈતી હતી, પરંતુ ભ્રષ્ટાચાર બહાર ન આવે તે માટે જમીન અન્ય હેતુ માટે ફાળવી દેવામાં આવી છે.

ગ્રામ પંચાયતમાં માણેકપુર ગામના સર્વે નંબર-૧૧૫ માં ૧૬ હેક્ટરથી વધુ સરકારી પડતર જમીન ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઉચ્છલ તાલુકામાં અન્યત્ર પણ જમીનો હોવા છતાં, માત્ર સુંદરપુરની ગૌચર જમીન પર જ સ્કૂલ બનાવવાનો નિર્ણય ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગ્રામજનોએ માંગ કરી છે કે આ મામલે તાત્કાલિક તટસ્થ તપાસ કરી જવાબદાર સરપંચ, તલાટી અને જિલ્લા સ્તરના અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો ન્યાય નહીં મળે તો ગ્રામજનોએ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની અને તપાસ ACB ને સોંપવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 8 2 8
Users Today : 1
Users Last 30 days : 442
Total Users : 13828