સોનગઢ તાલુકાના વડપાડા ગામની સીમમાં એક બોલેરો પીકઅપ ટેમ્પોના ચાલકે મોટરસાયકલને સામેથી જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર બે યુવકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમાંથી એક યુવકને ગંભીર ફ્રેક્ચર થતાં વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કાનાદેવી ગામના રહેવાસી કૌશિકભાઈ બાલુભાઈ ગામીત (ઉં.વ. ૨૪) તેમના બનેવી વિનેશભાઈ ગાવિત અને અન્ય એક મિત્ર આનંદભાઈ સાથે હોંડા સાઈન બાઈક પર બંધારપાડા કપડાં સીવડાવવા જઈ રહ્યા હતા. તે દરમિયાન વડપાડાથી ઘોડચીત તરફ જવાના રોડ પર આવેલ ટેકરાના વળાંક પાસે સામેથી આવતા બોલેરો પીકઅપ ટેમ્પો નંબર જીજે/૨૬/ટી /૯૭૧૪ ના ચાલક ઈશ્વરભાઈ ચીમનભાઈ ગામીતે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકને સામેથી ઠોકર મારી દીધી હતી.અકસ્માતને પગલે બાઈક સવાર ત્રણેય જણા રોડ પર પટકાયા હતા. જેમાં કૌશિકભાઈને જમણા પગે સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે બાઈક ચલાવી રહેલા વિનેશભાઈને જમણા પગે અને હાથની આંગળીઓમાં ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વ્યારા જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોનગઢ પોલીસે આ અંગે ટેમ્પો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




Users Today : 4
Users Last 30 days : 328
Total Users : 14297