વાલોડ તાલુકામાં ગેરકાયદે ખનિજ તત્વોએ માઝા મૂકી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બુહારી ગામે રોયલ્ટી પાસ વગર સાદી માટીનું વહન કરતા ટ્રેક્ટરને અટકાવવા ગયેલા ખાણ-ખનિજ વિભાગના કર્મચારીને ટોપી પહેરેલા એક અજાણ્યા શખ્સે ગાળો આપી, ટ્રેક્ટર નીચે કચડી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી પ્રમાણે ફરિયાદી ધર્મેશકુમાર રમેશભાઇ ઓડ (ઉ.વ.૩૪) અને તેમની ટીમ તા. ૧૧/૦૩/૨૦૨૬ના રોજ બપોરે ૧:૦૦ વાગ્યાના અરસામાં બુહારી થી દાદરીયા જતા રસ્તા પર ફરજ પર હતા. તે દરમિયાન માટીના પુરાણનું કામ ચાલતી એક ખુલ્લી જગ્યામાં લાલ રંગનું રજીસ્ટ્રેશન વગરનું ટ્રેક્ટર અને બ્લ્યુ કલરની ટ્રોલીમાં રોયલ્ટી પાસ વિના ગેરકાયદેસર રીતે સાદી માટી ભરેલી જોવા મળી હતી. જ્યારે અધિકારીઓએ આ ટ્રેક્ટરને અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, ત્યારે અચાનક ૩૫ થી ૪૦ વર્ષની વયનો એક ટોપી પહેરેલો શખ્સ ત્યાં આવી ચડ્યો હતો.
આ શખ્સે અધિકારીઓ સાથે ગંદી ગાળાગાળી કરી જબરદસ્તી ટ્રેક્ટર પર ચડી જઈ તેને હંકારી મૂક્યું હતું. અધિકારીએ તેને રોકવાનો પ્રયાસ કરતા આરોપીએ બૂમ પાડીને ધમકી આપી હતી કે, “જો તમે અહીં બીજી વખત આવશો તો તમારા ઉપર ટ્રેક્ટર ચઢાવી તમને મારી નાંખીશ.” આ ધમકી બાદ આરોપી માટી ભરેલું ટ્રેક્ટર લઈને નાસી છૂટ્યો હતો અને તેની પાછળ ટ્રેક્ટરનો ડ્રાઈવર પણ ભાગી ગયો હતો. આ મામલે વાલોડ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.




Users Today : 15
Users Last 30 days : 498
Total Users : 13577