ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC)ની જાહેર પરીક્ષાઓ તાપી જિલ્લામાં અત્યંત શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં આગળ વધી રહી છે. ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ પરીક્ષાઓ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે.

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને SSC ઝોનલ અધિકારી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા. ૧૧-૦૩-૨૦૨૬ના રોજ ધોરણ-૧૦માં અંગ્રેજી વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં હાજર વિદ્યાર્થીઓની સંખ્યા ૭૫૧૦ હતી જયારે ગેરહાજર વિદ્યાર્થીઓ ૨૨૩ હતા. ધોરણ-૧૨માં પણ વિવિધ વિષયોની પરીક્ષા ઉત્સાહપૂર્વક લેવાઈ હતી. પ્રાપ્ત આંકડા મુજબ સામાન્ય પ્રવાહ (હિન્દી વિષય) ગુજરાતી માધ્યમમાં નોંધાયેલા ૩૧૯૬ વિદ્યાર્થીઓમાંથી ૩૧૫૦ વિદ્યાર્થીઓએ હિન્દીની પરીક્ષા આપી હતી.
વિજ્ઞાન પ્રવાહ (કોમ્પ્યુટર વિષય) ગુજરાતી માધ્યમના ૨૨૪ અને અંગ્રેજી માધ્યમના ૧૨૬ મળી કુલ ૩૫૦ વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટરની પરીક્ષા આપી હતી. ધોરણ-૧૨ના બંને પ્રવાહના નોંધાયેલા ૩૫૪૭ વિદ્યાર્થીઓ પૈકી કુલ ૩૫૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. બોર્ડના આયોજન મુજબ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ આગામી તા. ૧૮/૦૩/૨૦૨૬ સુધી ચાલશે, જ્યારે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ ૧૬/૦૩/૨૦૨૬ના રોજ પૂર્ણ થશે. જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત અને દેખરેખ રાખવામાં આવી રહી છે.




Users Today : 15
Users Last 30 days : 498
Total Users : 13577