ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા તાપી જિલ્લાના ઉકાઈ ખાતે મુસાફરોની સુવિધામાં વધારો કરવાના શુભ આશય સાથે અંદાજિત રૂ. ૩.૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત થનાર એસ.ટી. બસ સ્ટેશનનું રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભૂમિપૂજન કરીને વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારશ્રી તરફથી નિગમને ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન પેટે ફાળવેલ સહાય થકી સુરત એસ.ટી. વિભાગના ઉકાઈ ખાતે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળું નવીન બસ સ્ટેશન અંદાજિત ૨૪૦૦ ચો.મી. વિસ્તારમાં રૂ. ૩૭૫ લાખના ખર્ચે એક અત્યાધુનિક બસ સ્ટેશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ નવા સંકુલમાં મુસાફરો માટે ૫ પ્લેટફોર્મ, ૧૩૨ ચો.મી.નો વિશાળ વેઇટિંગ એરિયા, કેન્ટીન, સ્ટોલ્સ અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
મુસાફરોની સુરક્ષા માટે સમગ્ર સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જ્યારે દિવ્યાંગોની સુવિધા માટે ખાસ સ્લોપિંગ રેમ્પ અને અલગ શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુસાફરોની સાથે એસ.ટી. નિગમના કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રથમ માળ પર લાઇન ચેકિંગ રૂમ અને ડ્રાઇવર-કન્ડક્ટર માટે રેસ્ટ રૂમ બનાવવામાં આવશે. આ ઉપરાંત, સંકુલમાં પાર્સલ રૂમ, ટિકિટ રૂમ અને વોટર રૂમ જેવી સુવિધાઓ પણ સામેલ હશે. આ સુવિધાજનક બસ સ્ટેશન કાર્યરત થવાથી ઉકાઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હજારો નાગરિકોને પરિવહનની શ્રેષ્ઠ સેવાઓ એક જ સ્થળેથી મળી રહેશે.




Users Today : 108
Users Last 30 days : 882
Total Users : 11360