રાજ્યમાં ભ્રષ્ટાચાર નાબૂદી માટે ACB દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમ છતાં લાંચિયા અધિકારીઓ સુધરવાનું નામ લેતા નથી. આજે ફરી એકવાર એસીબીએ વધુ બે લાંચિયા સામે કાર્યવાહી કરીને ભ્રષ્ટ તંત્ર સામે કડક સંદેશો આપ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, તા.24ની નારોજ સુરત શહેરના ફાયર બ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર ઈશ્વર પટેલ 1 લાખની લાંચના કેસમાં ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. આરોપીએ હોટલને ફાયર NOC આપવા માટે 1 લાખ રૂપિયાની લાંચ માગી હતી પરંતુ ફરિયાદી પૈસા આપવાના બદલે સીધા ACBનો સંપર્ક કર્યો હતો. ACBની ટીમે ફાયર ઓફિસરની ઓફિસમાં જ લાંચનું છટકું ગોઠવ્યું હતું અને તેમણે જેવી લાંચની રકમ અપાઇ કે તુરત જ ઇશ્વર પટેલને ઝડપી લીધા હતા.જયારે લાંચ લેવાના બીજા બનાવમાં સુરતમાંથી જ વધુ એક લાંચિયો અધિકારી ઝડપાતા સરકારી કર્મચારી બેડામાં ખૌફનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના ઉધનામાં સર્કલ ઓફિસર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર લાંચ એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયો છે. સુરત ACB દ્વારા કૃષ્ણકુમાર ડાભીને 10 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. ઘટનાની વિગતો અનુસાર, ફરિયાદીએ કાચી નોંધ પ્રામાણિત કરવા અરજી કરી હતી. જમીનમાં નામોની કાચી નોંધ પ્રામાણિત કરવાની હતી, આ કામના અવેજ પેટે કૃષ્ણકુમાર ડાભીએ 10 હજાર રૂપિયા ની લાંચ માંગણી કરી હતી. સુરત ACB પોલીસ દ્વારા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભીને ઝડપી લેવામાં આવ્યો છે. ACB પોલીસે 10 હજાર રૂપિયા લેતા રંગેહાથે કૃષ્ણકુમાર ડાભીને ઝડપી લીધો છે.
ફરજ પર રહેલા આ બે લાંચિયાઓ પોતાના કામના બદલામાં નાગરિક પાસેથી લાંચની માંગ કરી હતી. ફરિયાદ મળતા એસીબીની ટીમે તરત જ તપાસ હાથ ધરી અને યોગ્ય પુરાવાઓ સાથે બે જુદીજુદી ટ્રેપ ગોઠવી આરોપીઓને રંગે હાથ ઝડપ્યા હતા કાર્યવાહી દરમિયાન લાંચની રકમ પણ જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી એસીબી દ્વારા એક પછી એક લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં પણ સરકારી કચેરીઓમાં લાંચખોરીની માનસિકતા હજુ યથાવત રહેવી ચિંતાજનક બાબત છે. સામાન્ય નાગરિકોને ન્યાય અને સેવાઓ માટે પણ લાંચ આપવાની ફરજ પડે તેવું વાતાવરણ લોકશાહી માટે શરમજનક ગણાય.
એસીબી અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે અને આવનારા દિવસોમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. સાથે સાથે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ સરકારી કર્મચારી દ્વારા લાંચની માંગ થાય તો નિર્ભય બની એસીબીમાં ફરિયાદ નોંધાવે. ભ્રષ્ટાચાર સામેની આ લડતમાં એસીબીની કાર્યવાહીથી આશા જાગી છે, પરંતુ વાસ્તવિક સુધારો ત્યારે જ શક્ય બનશે જ્યારે લાંચ આપનાર અને લેનાર બંને સામે કડક સામાજિક અને કાનૂની દબાણ ઊભું થશે.




Users Today : 21
Users Last 30 days : 773
Total Users : 11241