“મારે કંઈક અલગ કરવું છે, મારા માતા પિતાનું નામ રોશન કરવું છે.” બાળપણમાં આ વાત આપણે બધા વિચારીએ છીએ, પરંતુ એ વિચારને હકીકતમાં ફેરવવા માટે સતત અને સખત મહેનતની જરૂર પડે છે. આજે શિક્ષણની સાથે સાથે રમતગમતમાં પણ ઉજ્જવળ ભવિષ્ય ઘડવાના આશયથી કેન્દ્ર તથા રાજ્ય સરકાર વિવિધ સ્પર્ધાઓ અને મંચો પૂરા પાડે છે. એ જ મંચને સુવર્ણ તક સમજીને તાપી જિલ્લાની વ્યારા નગરની દીકરી ધ્રુવી આશિષ પંચાલે રાજસ્થાનમાં યોજાયેલી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ૨૦૨૫માં ૧૦ મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
કહેવાય છે ને, સફળતા એક દિવસમાં નથી મળતી, પરંતુ એક દિવસ જરૂર મળે છે. ધ્રુવીએ આ વાક્યને પોતાના જીવનમાં સાચું કરી બતાવ્યું છે. પંચાલ પરિવારની આ દીકરીનો શૂટિંગ પ્રત્યેનો જુસ્સો ધોરણ ૭ હતી ત્યારથી જ જાગૃત થયો હતો. પોતાના કરિયરમાં આવેલી કેટલીક મુશ્કેલીઓ વચ્ચે પણ દીકરી ધ્રુવીએ સફળતાનું સચોટ નિશાન સાધ્યું છે. કહેવું ખોટુ નથી કે, ધ્રુવીએ ગોલ્ડ મેડલ પર સટીક નિશાનો સાધીને તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.
કોચના માર્ગદર્શન અને પરિવારના અતૂટ સાથથી તે ધીમે ધીમે રાજ્ય સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી છે… સ્પર્ધા દરમિયાન તેણે ધીરજ, એકાગ્રતા, સ્થિરતાની સાથે અડગ નિશ્ચયથી ઉત્તમ સ્કોર નોંધાવ્યો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. 
ધ્રુવી આજે વ્યારા તથા તાપી જિલ્લાની દરેક દીકરી માટે જીવંત પ્રેરણા બની છે. તેની આ સિદ્ધિએ જિલ્લાના રમતગમત ક્ષેત્રને નવી ઊર્જા અને નવો વિશ્વાસ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ફાયર કરતાં પહેલા ઉભા રહેવાની સ્થિતિ એટલે કે સ્ટાન્સ લેવો, રાઈફલને પકડવાની રીત,શ્વાસનું નિયમન અને ટ્રિગર દબાવવાની ટેક્નિક જેવી બાબતોની સાથે મનને નિયંત્રિત કરીને ધ્યેય સાધવો એ પ્રેરણા આપે છે. ટૂંકમાં કહીએ તો રાઈફલ શુટિંગ શરીરની સાથે મનની રમત છે. જેમાં જીત હાંસલ કરીને ધ્રુવીએ જિલ્લા સહિત રાજ્યને ગૌરવ અપાવ્યું છે.
ધોરણ ૭ થી ઓલિમ્પિક્સ સુધી: ધ્રુવી પંચાલની અડગ જર્ની : ધ્રુવી પંચાલ જણાવે છે કે, કે. બી પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના ધોરણ ૭ માં હતી ત્યાંર થી જ રાઇફલ શૂટિંગ પ્રત્યે મારા મનમાં જુસ્સો જગ્યો હતો. ડી.એલ.એસ.એસ. સ્કીમ હેઠળ મને પ્રથમવાર પ્રેક્ટિસ કરવાની તક મળી અને પ્રથમ જ ડિસ્ટ્રિક્ટ મેચમાં ગોલ્ડ મેડલ જીતતા મારો આત્મવિશ્વાસ બામણો થઈ ગયો.”
ધ્રુવી જણાવે છે કે આ જર્ની સરળ નહોતી માનસિક દબાણ, અભ્યાસનો ભાર અને ઘણી અડચણો આવી, છતાં હાર નહીં માનતા હું આગળ વધી.મારા કોચનું માર્ગદર્શન અને પરિવારનો અતૂટ વિશ્વાસ આ બે જ મારી સૌથી મોટી શક્તિ રહ્યા છે.
આગળ ધ્રુવી જણાવે છે,“ધીમે ધીમે હું રાજ્યથી રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી. એસ.ડી. જૈન કોલેજના સહયોગથી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને રીપ્રેઝન્ટ કરી મિક્સ ટીમમાં ગોલ્ડ જીત્યો. એ જીતે જ મને Khelo India Gamesમાં પ્રવેશ અપાવ્યો.
રાજસ્થાન ખાતે આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ૨૦૨૫માં ૧૦ મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં મારા પાર્ટનર સ્મિત મોરડીયા સાથે ફરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. અંતિમ શોટનો તે thrill આજે પણ દિલ ધબકાર વધારી દે છે. આ ગોલ્ડ માત્ર મેડલ નહીં પરંતુ મારી મહેનત, કોચનો આશિર્વાદ અને પરિવારના સાથનો પુરાવો છે.
અંતમાં ધ્રુવી ગૌરવભેર કહે છે,“મારું સૌથી મોટું સ્વપ્ન છે ઇન્ડિયાને ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ અપાવવાનો. ૨૦૨૮ એલ.એ. ઓલિમ્પિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવું એ જ મારી સર્વોચ્ચ ઇચ્છા છે. હું સતત મહેનત કરી રહી છું અને આ સપનું દરરોજ વધુ મજબૂત બનતું જાય છે.” (તાપી જિલ્લા માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અહેવાલ અનુસાર)




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243