દસ દિવસથી ચાલી રહેલા ગણેશોત્સવનું ભવ્ય સમાપન થયું છે.ગણેશ વિસર્જન સાથે ગણેશચતુર્થીના પવિત્ર તહેવારનું પૂર્ણાહૂતિ થઈ છે.બાપ્પાના વિસર્જન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને,આ વર્ષે પણ તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પધરાવવામાં આવેલી ગણેશ પ્રતિમાઓનું ખાસ બનાવેલા કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું. ખાસ કરીને આ કુંડમાં પર્યાવરણને અનુકૂળ મૂર્તિઓનું જ વિસર્જન કરવામાં આવ્યું હતું. કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડ્રોન કેમેરા, સી.સી.ટી.વી. કેમેરા દ્વારા પોલીસે બાજ નજર રાખી હતી.
સોનગઢ તાલુકામાં તાપી નદીમાં તેમજ ગામડાઓમાં નદી, કોતરોમાં પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. ડોલવણ તાલુકામાં નદીઓ, કોતરોમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં નાચગાન સાથે ભક્તિના ગીતો વચ્ચે અગલે સાલ જલ્દી આના, ગણપતિ બાપ્પા મોરિયા… ના નારા ગુંજી ઉઠ્યા હતા.વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા, ડોલવણ તાલુકાઓમાં છેલ્લા દસ દિવસથી ગણેશોત્સવને લઈને ભક્તિનો માહોલ રહ્યો હતો, શનિવારે અનંત ચૌદસના દિવસે ગણેશજીની વિસર્જન યાત્રા કાઢી હતી. વિવિધ પંડાલ, ઘરો તેમજ શેરીઓ, ફળિયાઓમાં સ્થાપિત કરેલ વિઘ્નહર્તા એવા ગણેશજીને પ્રાર્થના કરી શ્રદ્ધાળુઓએ પૂજા-અર્ચના કરી ડી.જે., ઢોલનગારા, બેન્ડવાજા સહિતના વાદ્યો સાથે નાચગાન સાથે ભક્તિના ગીતો સાથે દુંદાળા દેવને વિદાય આપવામાં આવી હતી. તાલુકામાં નેસુ નદી તથા સોમનાથ નદી, ફુગારાના પાણીમાં તેમજ નિઝર તાલુકાના કાવઠા ગામે તાપી નદી પુલ પાસે, કુકરમુંડા તાલુકાના જૂના કુકરમુંડા તાપી નદીમાં તેમજ જૂના હથોડા ગામે તાપી નદીના નવા પુલ પાસે, જૂના સજીપુર ગામ પાસે તાપી નદીમાં ગણેશજીનું વિસર્જન કરાયું હતું.
નિઝર-કુકરમુંડા તાલુકા સાથે મહારાષ્ટ્ર રાજ્યોની સરહદી ગામોમાંથી પણ વિસર્જન માટે પ્રતિમાઓને નિઝર-કુકરમુંડા ખાતે લાવવામાં આવી હતી. વ્યારા તાલુકામાંથી મોટી ગણેશજીની પ્રતિમાઓને સોનગઢ તાલુકાના ટીચકીયા ગામમાંથી વહેતી ઝાંખરી નદીમાં વિસર્જન માટે લઇ જવામાં આવી હતી.વ્યારા નગરમાં બપોર બાદ વિસર્જન યાત્રાનો આરંભ થતા નગરના રાજમાર્ગો ઉપર નાચગાન તથા અબીલ ગુલાલની છળો તેમજ વરસાદની ઝરમર વચ્ચે નીકળેલ વિસર્જન યાત્રાને જોડાવા તથા ગણેશજીના દર્શન અર્થે ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર શનિવારની મોડીરાત્રે સુધીમાં જિલ્લાભરમાં ૩૯૯થી વધુ ભગવાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243