વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા તંત્ર દ્વારા ડેમના ૧૨ દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. તારીખ ૫મી સપ્ટેમ્બર ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે મળતી વિગતો પ્રમાણે ઉકાઈ ડેમમાં હાલ ૧.૬૩ લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઉકાઈ ડેમના ૧૨ દરવાજા ૭ ફૂટ ખોલીને ડેમમાંથી ૧.૬૩ લાખ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટીએ રૂલ લેવલ વટાવી દીધું છે. ડેમનું રૂલ લેવલ ૩૩૫ ફુટ છે, ડેમની સપાટી હાલ ૩૩૮.૦૧ ફૂટે પહોંચી છે, આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી નીચાણવાળા વિસ્તારો અને તાપી નદીના કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પાણીના નવા નીર આવ્યા છે. જેને લઈને નદી કિનારાના ગામો અને ખેતરોમાં પાણી ભરાવાનો ભય છે. તંત્રએ સ્થાનિક લોકોને અને માછીમારોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત, સુરત સહિતના નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા આગામી દિવસોમાં પણ ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયા ચાલુ રહી શકે છે. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડશે તો વધુ દરવાજા ખોલવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, ઉકાઈ ડેમ તાપી નદી પર નિર્મિત થયેલ છે. દક્ષિણ ગુજરાતના સુખા પીડિત વિસ્તારો માટે પીવાના પાણી, કૃષિ સિંચાઈ તેમજ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતું મહત્વપૂર્ણ જળસ્રોત છે. ખાસ કરીને સુરત શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો ઉકાઈ ડેમ પર મોટા પ્રમાણમાં નિર્ભર છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243