Explore

Search

December 27, 2025 8:20 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Latest news tapi : તાપી જિલ્લામાં ૭૯માં સ્વતંત્રતા પર્વની આન, બાન, શાન સાથે ભવ્ય ઉજવણી

તાપી જિલ્લાના વ્યારા સ્થિત પોલીસ હેડક્વાર્ટરના પટાંગણમાં આન, બાન અને શાન સાથે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ રાષ્ટ્રધ્વજને ગૌરવભેર સલામી આપીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા સમાહર્તા ડૉ. વિપિન ગર્ગ અને જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ પટેલ પણ જોડાયા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રી હળપતિએ શહીદો અને મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત@૨૦૪૭” ની પરિકલ્પનાને સાકાર કરવા માટે સૌના સહયોગ માટે અનુરોધ કર્યો હતો. તેમણે ગુજરાતને વિકાસનું રોલ મોડલ ગણાવતાં જણાવ્યું કે, રાજ્યમાં સેમિકંડક્ટર અને એઆઈ જેવા ઊભરતા ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક વિકાસ સુધી સીમિત નથી રહ્યું, પરંતુ સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોળાવીરા, સફેદ રણ, ગીરના જંગલો જેવા સ્થળોએ આધુનિક સુવિધાઓ વિકસાવી  વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવી છે.

મંત્રીશ્રીએ આ તકે, વોકલ ફોર લોકલના સંદેશ સાથે નાગરિકોને સ્થાનિક અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરવા સ્થાનિક ઉત્પાદનના ઉપયોગ માટે પ્રેરિત કર્યા હતા. સ્થાનિક ઉત્પાદકો અને હસ્તકળાઓને સમર્થન આપીને આત્મનિર્ભર ભારતની દિશામાં આગળ વધવા પણ તેમણે નાગરિકોને પ્રેરિત કર્યા હતા. શૈક્ષણિક ક્ષેત્રની સિદ્ધિઓની ચર્ચા કરતા તેમણે ઉમેર્યુ કે, તાપી જિલ્લાના ૨૮ આદિવાસી વિદ્યાર્થીઓની “વિજ્ઞાન સેતુ – તાપી કે તારે” પ્રોજેક્ટ અંતર્ગત શ્રીહરિકોટા સ્થિત ઇસરોની મુલાકાત અને વિદ્યાર્થીઓની પ્રથમવાર વિમાનની મુસાફરીના અનુભવને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉર્જાનો સ્ત્રોત ગણાવ્યો હતો. બાળકોની આ ઉપલબ્ધિને મંત્રીશ્રીએ તાપી જિલ્લાનું ગૌરવ ગણાવ્યુ હતુ.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન તાપી જિલ્લામાં રૂ. ૨૪૦ કરોડના ૬૧ વિકાસ કામો હાથ ધરાયા છે, જેમાંથી ૨૦ કામોનું લોકાર્પણ અને ૪૧ નું ખાતમુહૂર્ત થયું છે. વ્યારાનગર આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસે છે, જ્યારે ગામડાઓ સુધી ડિજીટલ સેવાઓ પહોંચાડાઈ છે. સિંચાઈ યોજના હેઠળ ૧૭૦૦ હેક્ટર જમીન આવરી લેવાઈ છે. આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે PM-JANMAN, ઉજ્જવલા, પીએમ કિસાન જેવી અનેક યોજનાઓના લાભો લોક સુધી પહોંચાડવામાં આવ્યા છે. આરોગ્ય અને પોષણ ક્ષેત્રે પણ રસીકરણ અને માતૃત્વ સહાય યોજનાઓથી લાભાર્થીઓએ લાભ મેળવ્યો છે.

મંત્રીશ્રીએ જિલ્લાના સમાહર્તાને રૂ. ૨૫ લાખની રકમનો ચેક અર્પણ કર્યો હતો, જે જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો અને જાહેર સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે ફાળવવામાં આવ્યો છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં શિક્ષણ અને રમતક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ બાળકોને પ્રશસ્તિ પત્રો આપી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશપ્રેમ, એકતા અને લોકસંસ્કૃતિને આવરી લેતી સાંસ્કૃતિક રજૂઆતો પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વની આ ઉજવણી પ્રસંગે ઉપસ્થિત તમામ મહિલાઓ-બાળકો, શાળાના શિક્ષકો-વિદ્યાર્થીઓ સહિત તમામ નાગરિકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળીને આનંદિત થયા હતા, અને દેશભક્તિ-સંસ્કૃતિ આધારિત પ્રસ્તુતિ નિહાળીને ગૌરવની લાગણી અનુભવી હતી.

પોલીસ વિભાગ તથા ડોગ સ્ક્વોડ ટીમ દ્વારા પણ કૌશલ્યપૂર્ણ કૌવતનું દર્શન કરાવવામાં આવ્યું હતું. સમસ્ત પ્લાટૂનોએ પણ રાષ્ટ્રધ્વજને ગૌરવભેર સલામી આપી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત  કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું.આ પ્રસંગે, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ ઢોડિયા અને શ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા-તાલુકાના હોદ્દેદારો, વિશેષ અતિથિઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, તમામ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, મહિલાઓ-બાળકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થયા હતા.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 2 4 3
Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243