વડોદરા શહેરના સયાજીબાગમાં ગુરુવારે સાંજે એક કરુણ ઘટના બનવા પામી હતી. જોયટ્રેનની અડફેટમાં આવી જતાં જંબુસર ખાતે રહેતી ૪ વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજતાં ચકચાર મચી જવા પામી હતી. જંબુસરના કસ્બાના સોગદવાડી વિસ્તારમાં રહેતી ૪ વર્ષીય ખતીજાબેન પરવેઝભાઈ પઠાણ પરિવાર સાથે બપોરના સમયે સયાજીબાગમાં ફરવા માટે આવી હતી. જ્યાં ભાઈ-બહેન સાથે તે જોયટ્રેનમાં પણ બેઠી હતી. ત્યારબાદ તેઓ સાંજે ૫ વાગ્યાના અરસામાં ઘરે જવા માટે તૈયારી કરી રહી હતી. ત્યારે -ખતીજા પરિવાર સાથે જોયટ્રેનના સ્ટેન્ડ પાસે ઊભી હતી. તે દરમિયાન જોયટ્રેન ત્યાંથી પસાર થતી હતી ત્યારે ખતીજા એકાએક જોયટ્રેનની નીચે આવી ગઈ હતી.
આ ઘટના જોઈને આસપાસના વ્યક્તિઓએ, પરિવારે, સયાજીબાગના સ્ટાફે બૂમાબૂમ કરી મૂકી હતી. જેને પગલે જોયટ્રેનના ડ્રાઈવરે ટ્રેન તો રોકી હતી પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું. સ્થળ ઉપર હાજર વ્યક્તિઓએ ભારે જહેમત બાદ બાળકીને ટ્રેનની નીચેથી બહાર કાઢી હતી. બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાથી તેને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર સારવાર માટે રિક્ષામાં બેસાડીને સયાજી હૉસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા સયાજીગંજ પોલીસ મથકે કરતા પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો.
ઘોડા છૂટયા પછી તબેલાને તાળુ મારવાની સરકારી તંત્રની આદત જૂની છે. આજે જોયટ્રેનની અડફેટે ચાર વર્ષની બાળકીનુ મોત થતા હાહાકાર મચી ગયો હતો. ત્યારે કોર્પોરેશને તે જોયટ્રેન ટેમ્પરરી ધોરણે બંધ કરાવી દીધી હતી. આગામી દિવસોમાં રીપોર્ટ આવ્યા પછી શું એક્શન લેવાય છે ત્યાર બાદ જ તે જોયટ્રેન પુનઃ ચાલુ કરવામાં આવશે.
તપાસ સોંપાઈ છે, રિપોર્ટ જોઈને કાર્યવાહી કરીશું : અરુણ બાબુ, મ્યુનિ.કમિશનર : અમને જાણ થઈ કે અકસ્માત થયો છે. જેથી પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ સ્થળ પર ગયા હતા. જોય ટ્રેનની અડફેટે બાળકીનુ મૃત્યુ થયુ હોવાની વાત છે. ત્યારે પોલીસ તપાસ કરી રહી છે. ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવાઈ રહ્યા છે. આ ઘટનામાં પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડેપ્યુટી કમિશનર અને ઝુને તપાસ સોંપી છે. તપાસનો અહેવાલ આવ્યા બાદ રીપોર્ટ જોઈને કાર્યવાહી કરીશુ.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245