ભરૂચ જીલ્લામાં સાયબર ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં વધુ એક નિવૃત્ત શિક્ષક દંપતીએ 16 લાખ ગુમાવવાની નોબત આવતા સમગ્ર મામલો સાયબર પોલીસ મથકમાં પહોંચ્યો છે. સાયબર ફ્રોડોએ પોલીસના કપડામાં વીડિયો કોલિંગ કરી શિક્ષક દંપતી સાથે છેતરપિંડી કરી હતી ત્યાર બાદ પોલીસ ફરિયાદ નોંધાતા રાજકોટથી બે આરોપીની અટકાયત કરવામાં આવી હતી.
અંકલેશ્વર જુના દીવા રોડ ઉપર આવેલ નીલ માધવ રેસીડેન્સીના મકાન નંબર 26માં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન મોતીભાઈ રોહિતે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે, તેઓને 4-5-2025ના રોજ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલિંગ વિડીયો આવ્યો હતો.
પોલીસના કપડાં પહેરીને સાયબર ફ્રોડ કર્યું : વીડિયો કોલિંગ કરનારે પોલીસના કપડાં પહેર્યા હતા અને તેણે વિનોય કુમાર તરીકેની ઓળખ આપી અને સાયબર ક્રાઈમ દિલ્હીના પોલીસ અધિકારી હોવાની ઓળખ આપી હતી. તેઓએ ફરિયાદી પ્રેમીબેન તથા તેમના પતિ મોતીભાઈ રોહિતને કહ્યું હતું કે દિલ્હીમાં નરેશ ગોયલ નામના ઈસમે 2 કરોડનું સાયબર ફ્રોડ કર્યું છે જેના 20 ટકા તમારા ખાતામાં આવ્યા છે જેના અનુસંધાને આપની ધરપકડ કરવા સિવિલ ડ્રેસમાં પોલીસ તમારા ઘરની આજુબાજુ પહોંચી ગઈ છે.
ખોટી રીતે નિવૃત્ત શિક્ષકની કરી લૂંટ : વીડિયો કોલિંગમાં પોલીસના વસ્ત્રોમાં અધિકારી તરીકે વાતચીત કરતા ફરિયાદી પ્રેમી બેન રોહિત તથા તેમના પતિ મોતીભાઈ રોહિત બંને નિવૃત્ત શિક્ષક હતા અને પોલીસના વીડિયો કોલિંગથી તેઓ ગભરાઈ ગયા હતા. વીડિયો કોલિંગ કરનારે કહ્યું હતું કે પ્રેમી બેનના બેન્ક એકાઉન્ટમાં 7,50,000 બેલેન્સ છે અને મોતીભાઈ રોહિતના બેન્ક એકાઉન્ટમાં 8,50,000 જેટલું બેલેન્સ છે જે બંને બેંક એકાઉન્ટમાં ઝિરો બેલેન્સ કરવું પડશે. તેમ કહી સાઇબર ફ્રોડોએ નિવૃત્ત બંને શિક્ષકના બેન્ક એકાઉન્ટમાંથી તમામ રકમ બંસીલાલ ટ્રેડર્સ નામના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવડાવી ફરિયાદી નિવૃત્ત દંપતી શિક્ષક સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ભરૂચ સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે અજાણ્યા સાયબર ફ્રોડો સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ થતા રાજકોટથી બે આરોપી અદનાન મોગલ અને રાહુલ જાદવની અટકાયત કરવામાં આવી હતી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243