રાજ્ય સરકારે સહકારી મંડળીઓના કરોડો સભાસદોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સહકારી સંસ્થાઓના ચેરમેન અને અન્ય હોદ્દેદારો દ્વારા કરવામાં આવતી મોંઘા વાહનોની ખરીદી પર હવે રોક લગાવી દીધી છે.
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સહકારી મંડળીઓના સભાસદો મંડળીઓ સાથે જોડાયેલા રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે સરકારે સભાસદોને આપવામાં આવતી ભેટની મર્યાદામાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે. પ્રાથમિક કક્ષાની મંડળીઓ હવે ₹ ૭૫૦ને બદલે ₹ ૧૨૫૦ સુધીની ભેટ આપી શકશે, જ્યારે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની મંડળીઓની ભેટ મર્યાદામાં પણ ૬૬% થી લઈને ૧૫૦% સુધીનો વધારો કરવામાં આવ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભેટની ખરીદીમાં થતી ગેરરીતિઓને રોકવા માટે હવેથી ઈ-ટેન્ડરિંગ પદ્ધતિથી ખરીદી કરવાની રહેશે.
આ ઉપરાંત, સહકારી મંડળીઓમાં બિનજરૂરી મોંઘા વાહનોની ખરીદી પર અંકુશ લગાવવા માટે સરકારે વાહનોની ખરીદી માટેની મર્યાદા પણ નક્કી કરી છે. મંડળીઓને અલગ-અલગ કેટેગરીમાં વિભાજિત કરીને ચોક્કસ મોડેલથી વધુ કિંમતના વાહનો ન ખરીદવા માટે સૂચના આપવામાં આવી છે.સહકાર મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં આવેલી ૮૯,૦૦૦થી વધુ સહકારી મંડળીઓ અને તેના કરોડો સભાસદોને આ નિર્ણયનો લાભ મળશે. એક તરફ ભેટની મર્યાદામાં વધારો થવાથી સભાસદોને પ્રોત્સાહન મળશે, તો બીજી તરફ મોંઘા વાહનોની ખરીદી પર રોક લાગવાથી મંડળીના ભંડોળનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થશે અને વહીવટમાં વધુ પારદર્શિતા આવશે. અગાઉ સરકારે ડિવિડન્ડની મર્યાદા પણ ૧૫% થી વધારીને ૨૦% કરી હતી, જેનો લાભ પણ સભાસદોને મળ્યો છે.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243