ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ ધારકો આગામી 7 એપ્રિલ સુધી રાજ્યમાં હ્રદય રોગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન યોજના અંતર્ગત સારવાર નહીં કરાવી શકે! આ યોજના અંતર્ગત કામગીરી બંધ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, આ યોજના હેઠળ કાર્ડિયોલોજી પેકેજમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે, જે ના સંતોષાતા આ કદમ ઉઠાવવામાં આવ્યું છે. આ જાહેરાતથી સેંકડો દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવશે.
રાજ્યભરની ખાનગી હોસ્પિટલોમાં આગામી તારીખ 1 થી 7 એપ્રિલ સુધી આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલોજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરવાની ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ્સ ફોરમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેઓની માગણી છે કે, કાર્ડિયોલોજી સારવાર માટે મળતા વળતરના દરો હાલની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે નથી. છેલ્લા દાયકા દરમિયાન સારવાર ખર્ચમાં સતત વધારો થયો છે. પરંતુ, પેકેજના દરમાં તે મુજબનો વધારો થયો નથી.
ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ફોરમે એક યાદીમાં જણાવ્યું હતું કે,પીએમજેવાય નો હેતુ આરોગ્ય સંભાળ સુલભ બનાવવાનો છે. પરંતુ આર્થિક વાસ્તવિક્તાઓ-સારવાર ખર્ચની હકીકતને અવગણીને નક્કી કરાયેલા દર અવરોધરૂપ છે. પીસીઆઈ અને અન્ય પેકેજમાં પૂરતો વધારો ન થવાથી પીએમજય હેઠળ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી સેવા આપવી મુશ્કેલ બની છે. જો યોગ્ય સુધારો નહીં કરવામાં આવે તો 1લી એપ્રિલથી ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી માટે પીએમજય હેઠળ સેવાઓ બંધ કરવા ફરજ પડશે.
આ અંગે વિવિધ રજૂઆત સાથેનું આવેદન પત્ર રાજ્યના જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત રાજ્ય આરોગ્ય એજન્સી અને પીએમજેવાય ના સત્તાધીશોને પણ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ફોરમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હાલના દરો એટલા ઓછા છે કે હોસ્પિટલો અને કાર્ડિયોલોજીસ્ટ ગુણવત્તાસભર સારવાર આપવામાં નિષ્ફળ જાય છે. આ ઉપરાંત સ્થળ પર કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરીની ફરજિયાત હાજરીનો નિયમ પણ અવાસ્તવિક-અવ્યવહારુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં ‘મા’ યોજના હેઠળ પીસીઆઈ માટે મળતા 45,000 નો દર હવે પીએમજેવાય હેઠળ ફક્ત 50,800 છે, જે માત્ર 1.22 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર દર્શાવે છે. સારવાર માટેના સાધન, સ્ટાફ, અન્ય ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છતાં પેકેજના દર સમાન રહ્યા છે. 2015થી કોરોનરી એન્જિયોગ્રાફી પેકેજનો દર યથાવત છે. જીવનરક્ષક સારવાર હોવા છતાં આઈએબીપીનો સમાવેશ પીએમજય હેઠળ કરાતો નથી.




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243