ઉચ્છલના વાઘસેપાના પાસ્ટર પાસેથી યુપીના શખ્સે ખ્રિસ્તી ટ્રસ્ટ બનાવવાના ખર્ચાના માટે અવારનવાર નાણાંની માંગણી કરી રૂ.૩.૬૯ લાખની છેતરપિંડી કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ કેસમાં ઉચ્છલ પોલીસે ઓનલાઈન છેતરપિંડી કરનાર ઇસમને અંકલેશ્વરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉચ્છલ તાલુકાના નાના વાઘસેપા ગામના રહીશ કનુભાઈ કાતુડીયાભાઈ વસાવા ગત્ માર્ચ ૨૦૨૨ માં ઉત્તરપ્રદેશના અમીતકુમાર નામના ઇસમ સાથે ઓળખાણ થતા જે ઇસમે મોબાઇલ નંબર લઈને અવારનવાર ફોન કરી પોતાના દુ:ખ વર્ણવતા રહેતા હતા. ગત તા.૬-૮-૨૪ ના રોજ અમીતકુમારે ફોન કરી કનુભાઈને જણાવ્યું કે હું ફેઇથ ચર્ચ વડોદરામાં જાઉં છું અને આપણે એક ટ્રસ્ટ બનાવી અનાથ બાળકોની સેવા કરીશું તેમ જણાવી ટ્રસ્ટ બનાવવા માટે સી.એ. અને વકીલને રૂ.૭૦૦૦૦ આપવા પડશે તેમ જણાવ્યું હતું. જેથી પાસ્ટરે ટ્રસ્ટ બનાવવા ઓનલાઈન નાણાં અલગ-અલગ રકમ ટ્રાન્સફર કરતા રહ્યા હતા. વકીલને નાણાં આપવાના બહાને પણ નાણાંની માંગણી કરતા રહ્યા હતા. ત્યારબાદ ઈ સમે જણાવ્યું કે બે ખ્રિસ્તી ટ્રસ્ટ બનાવીએ જે અંગે સહમત થતા વાઘસેપાના પાસ્ટર પાસે રૂ.૫૦,૦૦૦ની માંગણી કરી હતી.
પાસ્ટરે પત્ની તથા વહુના ધરેણાં વેચીને પણ નાણાં આપી દીધા હતા. ઇસમ જણાવતો હતો કે ટ્રસ્ટ બની ગયું છે તમે આપેલ પૈસાના ચાર ગણા પૈસા હું તમારા ઘરે આવીને આપી જઇશ તથા એક ફોરવ્હીલ ભેટમાં આપીશું, ટ્રસ્ટના ડોક્યુમેન્ટ પણ આપવાની વાત કરતો હતો. પરંતુ તા.૨૫-૧૨-૨૪ ના રોજ વાઘસેપાના પાસ્ટરે ઇસમને કોલ કરતા ફોન બંધ આવતો હતો, ત્યારબાદ વારંવાર ફોન કરવા છતાં નંબર બંધ જ આવતો રહ્યો છે. તા.૪-૨-૨૫ સુધી અમીતકુમારનો ફોન બંધ જ આવતા પાસ્ટર સાથે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી ઓનલાઈન છેતરપિંડી થઇ હોવાનું જણાયું હતું.તમામ પૈસા ટ્રાન્સફર કરતી વખતે અમીતકુમારનું નામ અમીતકુમાર તરીકે બેન્કમાં દર્શાવતું હતું. ઈસમે ખ્રિસ્તી ટ્રસ્ટ બનાવવાના ખર્ચા માટેની પૈસાની માંગણી કરી તા.૭-૦૮-૨૪ થી તા.૧૮-૧૨-૨૪ ના સમયગાળા દરમ્યાન અલગ-અલગ કુલ રૂ. ૩,૬૯,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઓનલાઈન છેતરપિંડી કરનાર અમીતકુમાર સામે કાર્યવાહી કરવા ઉચ્છલ પોલીસ મથકે તા. ૧૪-૨-૨૫ ના રોજ ફરિયાદ કરતા પોલીસે આરોપી અમિતકુમાર વિરેન્દ્ર ઉર્ફે વૃન્દા ઉર્ફે બ્રિન્દ પ્રસાદને અંકલેશ્વરથી ઝડપી પાડ્યો હતો.




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249