વાલોડ તાલુકાના બુહારીમાં પાઇપલાઈન લીકેજના સમારકામ માટે ઊંડા ખાડામાં ઉતરેલા યુવક ઉપર માટી ધસી પડતા યુવકનું દબાઈ જતાં મોત નિપજ્યું હતું. મોતના સમાચારને લઇ આક્રોશિત આદિવાસી સમાજના લોકોએ વાલોડ બુહારી રાજ્ય ધોરીમાર્ગ ચક્કાજામ કરી દીધો હતો. આંદોલન પર બેઠેલા લોકો એજન્સીધારક અને જવાબદારોને સ્થળ પર હાજર કરવાની માંગ સાથે વળતરની પણ માંગ કરી હતી. બીજી તરફ પરિજનોએ લાશનો સ્વીકાર કરવાની ના પાડી દીધી દેતા માહોલ ભારે ઉગ્ર બન્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાલોડ તાલુકાના બુહારી ખાતે રાજ્ય ધોરીમાર્ગ નજીક આવેલા ખાનગી કોમ્પ્લેક્સની સામે રવિવાર નારોજ સવારે પાણીની લીકેજ લાઇનનું સમારકામ ચાલી રહ્યું હતું. તે માટે જેસીબીથી ખાડો પાડવામાં આવ્યો હતો અને ખાડાની બાજુમાં માટીનો ઢગ ખડક્યો હતો. આ દરમિયાન કામ કરવા તેજસ જગદીશ કોકણી (ઉ.વ.આશરે ૨૪.,રહે.ભોજપુરનજીક ગામ, તા.ડોલવણ, જિ.તાપી)નો ૨૦ ફૂટ જેટલા આશરે ખાડામાં ઉતર્યો હતો અને અચાનક ખાડામાં માટી ધસી પડતા તેજસ દબાઈ ગયો હતો. જેથી આસપાસના લોકોને જાણ થતા જેસીબીથી માટી ઉલેચી તેજસને બહાર કાઢ્યો ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.આ વાત વાયુવેગે પ્રસરી જતા ભોજપુર ગામના લોકો સહિત આદિવાસી સમાજના આગેવાનો બુહારી ઘટનાના સ્થળે પહોંચી આક્રોશ વ્યક્ત કર્યો હતો. એજન્સીધારક, જેસીબી ચાલકને હાજર કરવાની માંગ કરી હતી અને લાશ સ્વીકારવાની ના પાડી હતી તેમજ પોસ્ટમોર્ટમ માટે પણ ના કહી હતી. તેમજ લોકોએ વાલોડ-બુહારી રાજ્ય ધોરીમાર્ગ પર બેસી ચક્કાજામ કરતા બંને તરફ વાહનનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. જોકે સાંજે ૬.૩૦ વાગ્યા સુધી લોકો રોડ પરથી ખસ્યા ન હતા કે લાશનો સ્વીકાર કર્યો ન હતો. લોકોએ તમામ જવાબદારોને સ્થળ પર હાજર કરવા અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરતા મોડી સાંજે ૭ વાગ્યે કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠો બોર્ડના અધિકારી, એજન્સીધારક સ્થળ પર આવી મૃતકના પરીજનો તથા સમાજ સાથે ચર્ચા કરતા સમાધાન થયું હતું. ઘટના અંગે વાલોડ પોલીસે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249