વ્યારાના કટાસવાણ ગામની સીમમાં રામદેવ રાજસ્થાની ઢાબા નામની હોટલ ઉપર ફોરવ્હીલ લઇને જમવા ગયા હતા. તેઓએ નજીવી બાબતે બોલાચાલી ઝઘડો કરી ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કાકરાપાર પોલીસ મથકે નોંધાઇ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાના કટાસવાણ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-૫૩ની બાજુમાં આવેલી હોટલ ઉપર તારીખ ૨૭-૦૧-૨૦૨૫ નારોજ કાર નંબર જીજે/૨૬/એબી/૬૫૬૬ લઇને પાંચ ઇસમો આવ્યા હતા. તેઓએ ઢાબા ઉપર જમવાનો ઓર્ડર આપ્યો હતો જેને લઈને ઓર્ડર મુજબ રસોઇ બનાવી ટેબલ ઉપર જમવાનું મૂકી જમવા માટે ઈસમોને બોલાવતા તેઓએ થોડીવાર પછી આવવાનું જણાવ્યું હતું જેથી ઢાબા ચલાવતા મેહુલભાઈ માનસિંગભાઈ ગામીતે જણાવ્યું હતું કે, જમવાનું ઠંડું થઇ જશે અને અમારે પણ જમવાનું બાકી છે તેમ કહેતા અજાણ્યા ઇસમોએ જમવાની ના પાડી જવા લાગ્યા હતા જેથી હોટલ ચલાવતા મેહુલભાઇએ ઇસમોને બિલની માંગણી કરતા જે આપવાની ના પાડી બોલાચાલી, ઝઘડો તથા ઝપાઝપી કરી મેહુલભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યારે રાજાભાઈને પણ ડાબા પગની જાંઘમાં લાકડાનો ફટકો મારી ઈજા પહોંચાડી હતી. ઝઘડાને લઇને વચ્ચે પડેલ મેહુલભાઈના પિતાજી માનસિંગભાઈ શામજીભાઈ ગામીત (ઉ.વ.૫૩)ને જાનથી મારી નાંખવાના ઇરાદાથી છાતીના નીચેના ભાગે તથા માથાના પાછળના ભાગે લાકડાના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઢાબા ઉપર આવેલા પાંચ અજાણ્યા ઈસમોએ ગેરકાયદેસર મંડળી રચી ઝઘડો કરી ત્રણને ઇજા પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કાકરાપાર પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249