Explore

Search

December 27, 2025 11:27 PM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

પરિવારના પ્રસંગને સાચવી લઈ, ‘દાદા’ ના હુલામણા નામને ચરિતાર્થ કર્યું : વ્યારાના હેમંતભાઈ ચૌહાણના ઘરના લગ્ન પ્રસંગને વડીલતુલ્ય ભાવ સાથે સાચવી લેતા મુખ્યમંત્રીશ્રી

કોઈક સરકારી કાર્યક્રમ, જનસામાન્યના પૂર્વનિર્ધારિત પ્રસંગને વિપરીત અસર ન કરે તેની કાળજી લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક વડીલ તુલ્ય વાત્સલ્ય સાથે, લગ્ન પ્રસંગની તૈયારીમા વ્યસ્ત એક પરિવારના પ્રસંગને સાચવી લઈ, ‘દાદા’ ના હુલામણા નામને ચરિતાર્થ કર્યું છે.

વાત છે વ્યારાના શ્રી હેમંતભાઇ ચૌહાણને ત્યા અંદાજિત સાતેક માસ અગાઉથી નિર્ધારિત એક પ્રસંગની. પોતાની સાળીના દિકરાનો લગ્ન પ્રસંગ ગોઠવાયો હતો. આ કાર્યક્રમના અનુસંધાને તારીખ ૧૮મી જાન્યુઆરીએ, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય-વ્યારાના ગ્રાઉન્ડ ઉપર, સંગીત અને ભોજન સમારંભનો કાર્યક્રમ નિર્ધારિત થઈ ચૂક્યો હતો. ઘરનો લગ્ન પ્રસંગ હોય એટલે ગણી ગણાય નહી તેટલી જવાબદારીઓ, અને તૈયારીઓનો પાર નહિ.ત્રણ મહિના અગાઉથી કુટુંબજનો સહિત સગા સંબંધીઓને પણ કંકોત્રીઓનું વિતરણ શરૂ થઇ ચૂક્યુ હતુ. તેવામા ડિસેમ્બર માસના એક દિવસે હેમંતભાઇ અને તેના પરિવારજનોને, તાપી જિલ્લામા યોજાનારા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિન કાર્યક્રમ, અને તેને લઈને દક્ષિણાપથ ખાતે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમની જાણકારી મળી.

આમ જોઇએ તો, બન્ને કાર્યક્રમો વચ્ચે ખાસ્સા એવા દિવસોનુ અંતર હતુ. પરંતુ રાજ્ય સ્તરના કાર્યક્રમને લઈને જિલ્લા તંત્રની તડામાર તૈયારીઓ જોઇ, ચૌહાણ પરિવારને ચિંતા પેઠી. પૂછપરછ કરતા હેમંતભાઇ અને તેમના પરિવારને પોતિકા પ્રસંગની જગ્યા બદલવી પડે તેવી આશંકા થવા લાગી. પરંતુ હેમંતભાઇએ ધીરજ ધરીને, મૃદુ પણ નિર્ધારમાં મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલને પોતાના આંગણે આવેલી સમસ્યાથી અવગત કરાવવાનુ નક્કી કર્યું, અને મુખ્યમંત્રીશ્રીને સંબોધીને એક પ્રાર્થના સંદેશ લખી પણ કાઢ્યો. જેમાં તેમણે પોતાની આપવિતી જણાવી. તેમને જો સ્થળ બદલવાનું થાય, તો તેઓના પ્રસંગમાં વિઘ્ન સર્જાવા સાથે, તેમના પરિવારને ભારે આર્થિક ફટકો પણ વેઠવો પડશે, અને સગાસંબંધીઓએ પણ પરેશાની ભોગવવાનો વારો આવશે તેવી જાણકારી આપી. સાથે માત્ર ૪/૫ કલાકનો જ આ પ્રસંગ હોવાથી સ્થળ બદલવું ન પડે તે માટે વિનંતી પણ કરી.

સ્પીડ પોસ્ટથી મોકલવામા આવેલી આ અરજી તા.૧લી જાન્યુઆરીએ ડિલીવર થઇ, અને તા.૨જી જાન્યુઆરીએ તો હેમંતભાઇનો ફોન રણક્યો. આ કોઇ સામાન્ય ફોન કોલ્સ ન હતો. આ તો સી.એમ કાર્યાલયમાથી આવેલો ફોન હતો. મુખ્યમંત્રીશ્રીના પી.આર.ઓ. એ હેમંતભાઇ સાથે ઔપચારિક વાતચીત કરી અને ફોન મુખ્યમંત્રીશ્રીને આપ્યો. હેમંતભાઇ અને તેનો પરિવાર કંઈ વધુ સમજે, વિચારે તે પહેલા તો ખુદ મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર હકીકત જાણી-સમજી, દિકરાના લગ્નમાં કોઇ વિઘ્ન નહીં આવે તેની ખાત્રી અને નવદંપતિને એડવાન્સમાં શુભકામના અને આશીર્વાદ પણ આપી દીધા, અને પોતે સ્વયં સ્થાનિક જિલ્લા તંત્રને આ અંગેની જાણકારી આપી પરવાનગી આપશે તેવો વિશ્વાસ આપ્યો. મુખ્યમંત્રીશ્રી મૃદુ અને મક્કમ નિર્ધાર સાથે હટકે નિર્ણયો લેવા માટે જાણીતા છે તે વાતની પુષ્ટિ હેમંતભાઇ અને તેમના પરિવારને આ ફોન પરથી થઇ ગઇ. ગણતરીની મિનિટોમા જ હેમંતભાઇનો ફોન ફરી રણક્યો. આ વખતે તાપી જિલ્લા વહીવટી તંત્રના એક ઉચ્ચ અધિકારીનો ફોન હતો, જેમણે હેમંતભાઇને તેમના તારીખ ૧૮મીના લગ્ન પ્રસંગ આડે કોઈ વિઘ્ન નહીં આવે તેમ જણાવી, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના ગ્રાઉન્ડનો તેઓ નિર્વિઘ્ને ઉપયોગ કરી શકે છે તેમ કહ્યું.હેમંતભાઇ અને તેમના પરિવારમા ફરી ખુશીનો માહોલ છવાઇ ગયો. મુખ્યમંત્રીશ્રીએ એક સામાન્ય માણસના પ્રશ્નનો ઉકેલ લાવવા પોતાના વ્યસ્ત સમયમાંથી ખાસ સમય કાઢી, લગભગ ત્રણ થી ચાર મિનિટ તેમની વાત/અરજ સાંભળી, અને તેમની સમસ્યાનો હકારાત્મક નિકાલ પણ લાવ્યા, આ વાત જ નોખી અને અનોખી છે.

મુખ્યમંત્રીશ્રીના આ એક લોકાભિમુખ નિર્ણયને કારણે કોઇ પણ વિઘ્ન વિના હેમંતભાઇનો પ્રસંગ સચવાઇ ગયો : હેમંતભાઇ અને તેમના પરિવારજનોએ, વ્યારા નગરના સર્કિટ હાઉસ ખાતે પધારેલા મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી, તેઓના આ હકારાત્મક વલણ માટે આભાર વ્યક્ત કરી તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો.આમ સંવેદનશીલતા, મૃદુતા, અને મક્કમતાનુ શ્રેષ્ઠ ઉદાહરણ ફરી એકવાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લામા પુરૂ પાડી, ‘દાદા’ ના હુલામણા નામને સાર્થક કર્યું છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Buzz4ai
Our Visitor
0 1 1 2 4 8
Users Today : 28
Users Last 30 days : 780
Total Users : 11248