સંસ્કુતમાં કેહવત છે કે ‘ચરાતી ચરતો ભગ:’ એટલેકે ચાલતા લોકોનું ભાગ્ય બદલાય છે. વિશ્વશાંતિ વિશ્વપદયાત્રી ગ્રુપ પગપાળા વિશ્વ પ્રવાસના માર્ગે નીકળ્યું છે. ઉત્તર પ્રદેશથી વર્ષ ૨૦૦૦માં શરુ થયેલી આ યાત્રા જેનું આજે વ્યારામાં આગમન થયું હતું. સ્વચ્છતા હી સેવા, માર્ગ સલામતી, પર્યાવરણ સંરક્ષણ, બેટી બચાવો બેટી પઢાવો, પાણી બચાવો અને વૃક્ષારોપણનો સંદેશો ફેલાવવાના આશયથી અલગ અલગ રાજ્યના સાહસિકો દ્વારા પગપાળા વિશ્વ પ્રવાસનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.
આર.ટી.ઓ,તાપી તેમજ ટ્રાફિક પોલીસના સહયોગથી આજરોજ વ્યારા ખાતે વિશ્વના પ્રવાસે નીકળેલી આ ટીમના ૪ સભ્યોએ મિશન નાકા, પાનવાડી, સયાજી સર્કલ વગેરે જાહેર માર્ગ પર માર્ગ સલામતીને લઈને જાગૃતિ કાર્યક્રમો કર્યા હતા. જે વાહન ચાલકો હેલ્મેટ પહેરીને વાહન ચલાવતા હતા તેમને ગુલાબનું ફૂલ અર્પણ કરીને આવકાર્યા હતા, તેમજ જે લોકો હેલ્મેટ પહેર્યા વગર રસ્તે વાહનો ચાલવતા હતા તેમને ફૂલનો હાર પહેરાવીને સમજ આપી હતી.
તાપી જિલ્લાના મહેમાન બનેલા આ ચાર સાહસિકોએ ટ્રાફિક પોલીસ કર્મીઓ અને આરટીઓ ઇન્સ્પેકટર સાથે મળીને લોકોને શિખામણ આપી હતી કે તેમને હાર એટલા માટે પહેરાવે છે કે આ હાર તેમના ફોટાને ચડાવવો ન પડે તે પહેલા ચેતી જાય અને હમેશા સુરક્ષા સાથે જ વાહનો ચલાવે તેવી અપીલ કરી હતી. ટ્રાફિક જવાનોએ હેલ્મેટ વગરના દ્વિચક્રી વાહન ચાલકોને સુરક્ષા પ્રતિજ્ઞા લઈને અન્ય ૧૦ લોકોને હેલ્મેટ પહેરવા માટે જણાવવા સુચન કર્યું હતું. 
ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવતી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોચાડવા અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આ ગ્રુપના ચાર સભ્યોએ સોમવારે શાળાના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. શહેરની બે શાળાના વિદ્યાર્થીઓ સાથે તેઓએ ઇન્ટરએક્શન કર્યું હતું. વિદ્યાર્થીઓ થકી સમાજમાં સ્વચ્છતા, માર્ગ સલામતી તેમજ પર્યાવરણ સંરક્ષણના મહત્વ વિશે સભાનતા આવે તે માટે સંબોધિત કર્યા હતા. 
આ ટીમે વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા હી સેવા, માર્ગ સલામતી અને પર્યાવરણ સંરક્ષણ વિશેનો સંદેશો ફેલાવવા માટે પ્રયાસ કર્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને સ્વચ્છતા, પોતાની અને અન્યની સલામતી માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને ભાવિ પેઢીઓ માટે પર્યાવરણ બચાવવાનું મહત્વ સમજાવ્યું. તેઓએ આ સંદેશાઓનો અસરકારક રીતે પ્રચાર પ્રસાર કરવામાં મદદરૂપ થવા બદલ જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, આર.ટી.ઓ અને શાળા પરિવારનો આભાર માન્યો હતો.
અવધ બિહારી લાલ દ્વારા શરૂ કરાયેલ આ પદયાત્રાનું નેતૃત્વ લેવામાં આવ્યું છે. ડેન્જરસ એડવેન્ચર્સ એન્ટાર્વેડ સ્પોર્ટ્સ લોંગેસ્ટ વર્લ્ડ ટૂર નામના શીર્ષક દ્વારા આ પગપાળા પ્રવાસની શરૂઆત કરવામાં આવી છે. આજ સુધીમાં, તેણે અગિયાર દેશોમાં ૪ લાખ અને ૫૦ હજાર કિલોમીટરને આવરી લેતો પ્રવાસ પૂર્ણ કર્યો છે. આ પગપાળા પ્રવાસ દરમિયાન ઠેક ઠેકાણે કુલ 14 કરોડ પચાસ લાખ રોપાઓ વાવ્યા, પર્યાવરણના રક્ષણ માટે ફક્ત આટલી મોટી સંખ્યામાં કરેલા વૃક્ષારોપણથી જ અસરકારક રીતે તેમનો સંદેશ ફેલાવ્યો છે. હાલમાં જિતેન્દ્ર પ્રતાપ, મહેન્દ્ર પ્રતાપ, અને ગોવિંદા નંદ જેવા સાહસિકો આ પ્રવાસનું નેતૃત્વ કરી રહ્યા છે.
આ જૂથના જીતેન્દ્ર પ્રતાપે જણાવ્યું હતું કે “વિદ્યાર્થીઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયા ખૂબ જ સારી હતી. તેઓએ સક્રિયપણે ચર્ચામાં ભાગ લીધો. કાર્યક્રમ પછી પણ અમને મળ્યા ત્યારે તેમનો ઉત્સાહ ખુબ સારો હતો. આ વિદ્યાર્થીઓ જ દેશનું ભવિષ્ય છે. અમે શાળાઓ અથવા જાહેર સ્થળોની અમારી મુલાકાતો દરમિયાન વિદ્યાર્થીઓને લક્ષ્યાંકિત કરીએ છીએ. અમારી 20 સભ્યોની ટીમ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની મુલાકાતો પૂર્ણ કર્યા પછી, ગુજરાત પહોંચ્યા અને વડોદરાથી શાળાઓ અને જાહેર સ્થળોએ કાર્યક્રમો યોજીને, અમે ડાંગ, વલસાડ, નવસારી અને ત્યાંથી મહારાષ્ટ્ર અને ચેન્નાઈ તરફ આગળ વધી રહ્યા છીએ. ” સમગ્ર ભારતમાં સંદેશો ફેલાવીને તેઓ આવતા વર્ષે સાઉથ કોરિયા માટે પ્રયાણ કરવાના છે.




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249